નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લડાઈની ચર્ચા રાજ્યસભા સુધી પહોંચી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને ગંભીરતાથી લેતા ચર્ચા કરી હતી. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ મિડલઈસ્ટના દેશના વડા સાથે વાતચીત પણ કરી છે. ભારતે દરેક રાષ્ટ્રને શાંતિની અપીલ કરી છે અને યુદ્ધ રોકવા માટેની વાત કહી છે. ઊર્જા સંકટને લઈને સરકારની તૈયારીઓ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. વિશ્વમાં લડાઈભર્યા માહોલ વચ્ચે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
શું કહ્યું વડાપ્રધાન મોદીએ?
વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે, મિડલઈસ્ટનું યુદ્ધ સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે. આના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસની સપ્લાયને માઠી અસર થઈ છે. યુદ્ધથી પ્રભાવિત દેશ સિવાય ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે સતત સંપર્કમાં છીએ. અમારો હેતું ડાયલોગ્સ અને ડિપ્લોમસીથી શાંતિ સ્થાપવાનો છે.
આ એક અલગ પ્રકારનું સંકટ છે. એટલે તેનું સમાધાન પણ થોડું અલગથી નક્કી થશે. ધૈર્ય, સંયમ અને શાંત મનથી દરેક પડકારોનો સામનો કરવો જોઈએ, આ યુદ્ધને લઈને દરેક ક્ષણે પરિસ્થિતિ બદલી રહી છે. તેથી હું દરેક દેશવાસીઓને કહેવા માગુ છું કે, આપણે દરેક પડકારો માટે તૈયાર રહેવું પડશે. આ યુદ્ધની અસર લાંબા સમય સુધી યથાવત રહી શકે છે પણ સરકાર આ યુદ્ધના ગંભીર મુદ્દાઓને લઈને સતર્ક છે, એલર્ટ છે અને જરૂરી તૈયારીઓ પણ કરી રહી છે.
ગંભીરતાથી રણનીતિ બની રહી છે
સરકાર યુદ્ધના દરેક પાસા પર નજર રાખીને ગંભીરતાથી આગળની સુરક્ષિત અને ગંભીર રણનીતિ તૈયાર કરી રહી છે. હાલમાં અમે અમેરિકા સાથે પણ સંપર્કમાં છીએ અને ઈરાન સાથે પણ વાતચીત થઈ છે. મિડલ ઈસ્ટના રાષ્ટ્રના વડા સાથે બેવાર વાતચીત થઈ છે. હોર્મુઝ ક્રિકમાંથી જહાજનું પસાર થવું હવે મુશ્કેલ થઈ રહ્યું છે.
દુનિયાના સૌથી મહત્ત્વના અને સૌથી મોટા રૂટ પૈકી આ એક રૂટ છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, ભારત આવી રહેલા જહાજમાં ગેસ, ક્રૂડ ઓઈલ અને ડીઝલની સપ્લાય યથાવત રહે. હોર્મુઝમાં માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક રાષ્ટ્રના જહાજ ફસાયેલા છે. ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ આ જહાજ પર છે. ભારત માટે પણ આ મુદ્દો ચિંતાજનક છે. આવી વિકટ પરિસ્થિતિમાં જરૂરી છે કે, ભારતીય સંસદમાંથી શાંતિ અને સંવાદનો સંદેશો સમગ્ર વિશ્વમાં જાય.
ત્રણ અઠવાડિયાથી વધારેનો સમય
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. આ જંગના કારણે દુનિયાના અનેક દેશમાં ઊર્જા સંક્ટ વધારે ઘેરાઈ રહ્યું છે. ભારત માટે પણ ચિંતાજનક સ્થિતિ છે. વ્યાપારી માર્ગને માઠી અસર થતા સૌથી વધારે શિપિંગ ઈન્ડસ્ટ્રી અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસને અસર થઈ છે.
જુદા જુદા જહાજ પર ક્રૂ મેમ્બર્સ તરીકે રહેલા ભરતીયો માટે પણ ચિંતાનો વિષય છે. સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવી રહી છે અને હાલ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાય તો અસર ઘટી શકે છે.