Mon Sep 14 2026

Logo

નવસારીમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

2026-08-28 19:48:00
Author: Devayat Khatana
નવસારીમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં તેઓ 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતે નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. કેન્દ્રીય પ્રધાન અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દ્વારા કોઈ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને સ્થાનિક સ્તરે અને પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવસારીમાં નવનિર્મિત 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું નવું કાર્યાલય રૂ. 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં સી.આર. પાટીલ દ્વારા ખાતમુહૂર્ત કરાયા બાદ બે વર્ષથી ઓછા સમયમાં આ ભવ્ય ઇમારતનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક સુવિધામાં એઆઈ આધારિત સિસ્ટમ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ અને પદાધિકારીઓ તથા મુલાકાતી નેતાઓ માટે અલગ કેબિનની વ્યવસ્થા છે. 

વડાપ્રધાનની આ મહત્વપૂર્ણ મુલાકાત પૂર્વે તૈયારીઓનો તાગ મેળવવા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ નવસારી પહોંચ્યા હતા. તેમણે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તમામ વ્યવસ્થાઓની સઘન સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, બંને નેતાઓએ આગામી કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેઓ નવા નિર્માણ પામેલા ભાજપ કાર્યાલયની પણ રૂબરૂ મુલાકાત લેશે.