Tue Oct 06 2026

Logo

ચિંતન: કૃતા-કારિતા-અનુમોદિત હિંસા

2026-09-14 08:19:00
Author: Hemu Bhikhu
ચિંતન: કૃતા-કારિતા-અનુમોદિત હિંસા

 

- હેમુ ભીખુ

હિંસા એટલે અન્યને શારીરિક, માનસિક, વાચિક કે ભાવનાત્મક દુ:ખ પહોંચાડવું. તે ઈચ્છાપૂર્વક પણ હોય અને અજાણતા પણ, પ્રયોજિત હોય અને આકસ્મિક પણ, સામાન્ય હોય અને ઘાતક પણ, ભૂલી શકાય તેવી હોય અને કાયમ યાદ રહી જાય તેવી પણ, દવાથી સારવાર કરી શકાય તેવી હોય અને દવા જ્યાં અસરકારક ન રહે તેવી પણ, દરેક પરિસ્થિતિમાં હિંસા એ હિંસા છે. અજાણતામાં થયેલી હિંસા પણ હિંસા જ હોય. હિંસા એ પ્રકારનું કૃત્ય છે જે માનવી ઉપરાંત પ્રાણી તથા કુદરતી તત્ત્વોને પણ હાનિ પહોંચાડી શકે. સનાતન અને સંસ્કૃતિમાં હિંસા એ પાપ છે, એક અત્યંત નકારાત્મક કર્મ છે. અહિંસા એ સનાતની સંસ્કૃતિનો એક મહત્ત્વનો આધાર છે. ગીતાના સોળમાં અધ્યાયમાં જણાવાયું છે કે `અહિંસા સત્યમક્રોધસ્ત્યાગ: શાંતિરપૈશુનમ્' અર્થાત્‌‍ અહિંસા, સત્ય, ક્રોધનો ત્યાગ, શાંતિ અને ઈર્ષા ન રાખવી એ દૈવી ગુણો છે. મહાભારત અને ઉપનિષદો પણ કહે છે કે દરેક જીવમાં બ્રહ્મ છે, એટલે કોઈપણ જીવને હાનિ પહોંચાડવી એ બ્રહ્મને હાનિ પહોંચાડવા સમાન છે. સનાતની સંસ્કૃતિમાં હિંસા એ માત્ર શરીરથી થતી ક્રૂરતા નથી, પણ વિચાર, વાણી અને નિયત દ્વારા પણ એક રીતે બીજાને દુ:ખ, પીડા કે હાનિ પહોંચાડવાનું કૃત્ય છે.

હિંસાનાં વિવિધ સ્વરૂપો છે. હિંસા શારીરિક હોઈ શકે જેમાં વ્યક્તિને ઇજા પહોંચાડવામાં આવે. જ્યારે શારીરિક હિંસાને કારણે પીડિત મૃત્યુ પામે તો તે હિંસા નહીં, પરંતુ વધ છે. હિંસા શાબ્દિક કે માનસિક હોય તો તેમાં વ્યક્તિ પર ગુસ્સો વ્યક્ત કરવામાં આવે, તેનું અપમાન કરવામાં આવે, ભય પેદા કરી શકે તેવી ધમકી આપવામાં આવે, કઠોર તિરસ્કારજનક શબ્દોનો ઉપયોગ કરી સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવે, તેની અયોગ્ય ટીકા કરવામાં આવે કે તેના વિશે કટુવાણી કે વ્યંગ બોલવામાં આવે. વૈચારિક હિંસામાં કોઈ વ્યક્તિની બૌદ્ધિક વિચારધારાને ઈર્ષા, દ્વેષ, કટુતા, દુશ્મનાવટ કે અકારણસર નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. જ્યારે હિંસા ભાવનાત્મક હોય ત્યારે ઘૃણા, તિરસ્કાર, ક્રોધ, અહંકાર, નફરત, અણગમો, અસ્વિકૃતિ, અપમાન જેવાં ભાવ વ્યક્ત થાય. અવ્યવહારુ કે અનિશ્ચિત મૌન ધારણ કરવાથી પણ ભાવનાને ઠેસ પહોંચી શકે. જ્યારે કોઈની આવક કે સંપત્તિ ન્યાયસંગત ન ગણાય તે રીતે કબજે કરવાનો પ્રયત્ન થાય ત્યારે તે આર્થિક હિંસા ગણી શકાય. અનિચ્છિત શારીરિક સંપર્કને લૈંગિક હિંસા કહી શકાય, જેની સાથે, સામાન્ય રીતે અન્ય દરેક પ્રકારની હિંસા સંકળાયેલી હોય.

સનાતની સંસ્કૃતિમાં હિંસા ત્રણ પ્રકારની છે તેવું જણાવાયું છે. કૃતા હિંસા એટલે કે જાતે કરેલી હિંસા, કારિતા હિંસા એટલે કે બીજા દ્વારા કરાવેલી હિંસા અને અનુમોદિત હિંસા એટલે કે હિંસા માટે સહમતી આપવાની પ્રક્રિયા. જ્યારે હિંસા જાતે કરવામાં આવે ત્યારે તેને કૃતા હિંસા કહેવાય જેમાં વ્યક્તિ સ્વયં વાણીથી, વિચારથી કે વર્તનથી હિંસા કરે. અહીં આવેગ હોય, આક્રમકતા હોય, હાનિ પહોંચાડવાની સ્પષ્ટ ભાવના હોય, સંગ્રહિત થયેલો ક્રોધ હોય, ક્યારેક અસલામતીની ભાવના પણ હોય.

કારિતા પ્રકારની હિંસા વ્યક્તિ પોતે ન કરાવે પણ બીજાને તે કરવા ઉશ્કેરે અથવા તે કરવા માટે પ્રલોભન કે પ્રોત્સાહન આપે. આ એક પ્રકારે પાપ કરવાની પ્રેરણા આપવા સમાન છે જેને કારણે વ્યક્તિ સ્વયં કર્મ ન કરે તે છતાં પણ કર્મમાં ભાગીદાર બને. તે હથિયાર ન ઉપાડે પણ અન્યને હથિયાર આપે. તે શિકાર ન કરે પણ શિકારની વ્યવસ્થા ગોઠવી આપે. અનુમોદિત હિંસામાં વ્યક્તિ હિંસાને મૂક સમર્થન આપે, સંમતિ આપે અને ક્યાંક તેનાથી પોતાનો હેતુ સિદ્ધ થયાનો આનંદ પણ અનુભવે. ક્યારેક પીડિત વ્યક્તિ અનુમોદન આપતી વ્યક્તિને ન પણ જાણી શકે. કોઈપણ પ્રકારની હિંસાને યોગ્ય માનવી તે પણ આ શ્રેણીની હિંસા કહેવાય. અહીં વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિંસા ન કરતી હોવા છતાં તેની ચેતના તો ગ્રસિત થાય જ. અહીં એક દ્વિધા એ છે કે જાહેરમાં જો હિંસા થતી હોય અને બાજુમાંથી પસાર થઈ જવું તે શું અનુમોદિત હિંસાની શ્રેણીમાં આવે કે નહીં. આ ત્રણેય પ્રકારની હિંસા કર્મબંધનનું કારણ બની શકે. આ ત્રણેય સાથે સ્વાર્થ, અહંકાર, કપટ, લુચ્ચાઈ, અસંહિષ્ણુતા, ક્રોધ, બદલો જેવાં નકારાત્મક ભાવ સંકળાયેલાં હોવાથી તેનું નકારાત્મક ફળ ભોગવવું જ પડે. કોઈપણ પ્રકારની હિંસા દયા, ક્ષમા, શાંતિ, વિવેક, સંયમ, સહનશીલતા, કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાથી દરેક પ્રકારની હિંસાનો ભાવ અટકી શકે.

હિંસા એ એક એ પ્રકારની ઘટના છે જેનાથી પીડિત વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ પર નકારાત્મક ભાવ સ્થાપિત થાય, સમાજમાં એક પ્રકારની અસલામતી, અસ્થિરતા અને અનિશ્ચિતતા અનુભવાય, ક્યાંક સામાજિક ન્યાય તેમજ વ્યવસ્થા પરનો વિશ્વાસ ઓછો થઈ જાય, સામાજિક સમરસતા તથા સહઅસ્તિત્વની ભાવના જોખમાય, સમાજની શાંતિમાં મોટું વિઘ્ન આવી શકે, પરસ્પર દુશ્મનાવટ ઊભી થઈ શકે, ગુસ્સો તથા ભય સ્થાપિત થાય અને આ બધાંથી એકંદરે માનવતા માટેની સંવેદના ક્ષીણ થઈ શકે. હિંસાથી બંને પક્ષે આત્મિક શાંતિની સંભાવના પણ નષ્ટ થઈ શકે.

અહિંસાનું મહત્ત્વ છે પરંતુ તે ત્યાં સુધી જ જ્યારે અહિંસાને કારણે ધર્મનું અસ્તિત્વ જોખમમાં ન આવી જાય. અહિંસાના પાલનથી જો સત્યનું સ્થાન ડગમગી જતું હોય, અનૈતિક બાબતો હાવી થઈ જતી હોય, સૃષ્ટિનું સંતુલન જોખમાતું હોય, સાધુ પુરુષોનું અસ્તિત્વ મુશ્કેલીમાં આવી જતું હોય, કપટ અને અરાજકતાનું સામ્રાજ્ય વિસ્તરતું હોય, તો હિંસા વધુ યોગ્ય છે. મહાભારત અને રામાયણ દ્વારા એ સ્પષ્ટ રીતે સ્થાપિત થયું છે કે આંતરિક શાંતિ જરૂરી છે પણ વૈશ્વિક શાંતિ માટે જો અહિંસા કે યુદ્ધ આવશ્યક હોય તો તે સ્વીકાર્ય છે. અહિંસાનો અતિરેક પણ ક્યારેક હિંસા સમાન બની રહે.