Tue Oct 06 2026

Logo

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો ડ્રોન-મિસાઈલથી હુમલો

Cairo   2026-09-13 20:23:45
Author: Mumbai Samachar Team
મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો ડ્રોન-મિસાઈલથી હુમલો

 કૈરોઃ યમનમાં ઈરાન સમર્થિત હુતીઓએ પડોશી દેશ સાઉદી અરેબિયા પર નવા હુમલાઓ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે સાઉદી અરેબિયા સમર્થિત યમન સરકારે રેડ સીના કિનારે બળવાખોરોની ગતિવિધિઓને ઈરાન યુદ્ધનો એક નવો મોરચો ગણાવ્યો હતો.

તાજેતરના દિવસોમાં હુતીઓએ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પર એક મુખ્ય બંદર શહેર અને એક ટાપુ પર કબજો કર્યો છે, જે હોર્મુઝ સ્ટ્રેટનો મહત્વપૂર્ણ શિપિંગ વિકલ્પ છે. આના કારણે બજાર અને યમનના નાગરિકોની ચિંતા વધી છે. લોકોને ભય છે કે વિનાશક ગૃહયુદ્ધ ફરી શરૂ થઈ શકે છે.

હુતીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો અને ડ્રોનથી વધુ હુમલાઓ કર્યાનો દાવો કર્યો છે. સાઉદી અરેબિયા યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારનું સમર્થન કરે છે જે બળવાખોરો સામે લડી રહી છે.

હુથી લશ્કરી પ્રવક્તા, બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેઓએ સાઉદી અરેબિયાના નજરાન ક્ષેત્રમાં શરુરાહ પ્રાંતમાં એક લશ્કરી છાવણીને નિશાન બનાવી હતી. તેમણે પુરાવા આપ્યા નહોતા. આ હુમલો ક્યારે કરાયો તેની જાણ પણ કરાઈ નહોતી.

સાઉદી નાગરિક સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે રાત્રે રેડ સી પાસે યમનની સરહદ નજીક અલ-તવ્વલ ગવર્નરેટમાં એક હુમલો કરાયો હતો. જેનાથી બે લોકો ઘાયલ થયા હતા અને એક મસ્જિદ અને અન્ય ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. 

નિવેદનમાં હુતીઓને જવાબદાર ગણવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે શરુરાહ પ્રાંતમાં સાયરન વાગ્યા હતા પરંતુ જાનહાનિ કે નુકસાનની જાણ કરવામાં આવી ન હતી. રવિવારે હુથીઓને લક્ષ્ય બનાવતા કોઈ પણ નવા હુમલા અંગે સાઉદી અરેબિયાએ નિવેદન આપ્યું નથી. હુથીઓએ તાજેતરમાં જાહેર કરાયેલા નાકાબંધીના ભાગ રૂપે સાઉદીના તેલ માળખા અને શિપિંગ પર હુમલાઓ કરી રહ્યા છે.

જ્યારે બળવાખોરોએ કહ્યું છે કે અન્ય વાણિજ્યિક શિપિંગ માટે કોઈ ખતરો નથી. જોકે તેમ છતાં તેલના ભાવ ફરી વધ્યા છે. યમનના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તેના દળો રેડ સી પાસે પાછા ફરશે અને વળતો જવાબ આપશે.