Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં આજે પણ યલો એલર્ટ, 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, અંબાલાલની ખતરનાક આગાહી

2026-09-14 07:57:00
Author: Mayur Patel
અમદાવાદમાં આજે પણ યલો એલર્ટ, 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, અંબાલાલની ખતરનાક આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ભાદરવા માસની શરૂઆતથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. સમગ્ર રાજ્યમાં ફરી વરસાદ પડતાં મોલાતને નવજીવન મળતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 

ક્યાં છે ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના  જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નવસારી સામેલ છે.

અમદાવાદ સહિત ક્યાં યલો એલર્ટ

છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાને પગલે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર. મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાત અને પૂર્વ પટ્ટીના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની કોઈ ખાસ ચેતવણી નથી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના ઓરેન્જ એલર્ટ હેઠળના વિસ્તારોમાં રહેતા નાગરિકો અને વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક તાલુકામાં ચાર ઇંચથી વધારે, આઠ તાલુકામાં ત્રણ ઇંચથી વધારે,  18 તાલુકામાં બે ઇંચથી વધારે, 65 તાલુકામાં એક ઇંચથી વધારે તથા 148 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.45 ઇંચ વરસાદ પડ્યો હતો. ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ, ધરમપુરમાં 3.42 ઇંચ, બરવાળામાં 3.39 ઇંત વરસાદ નોંધાયો હતો.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજે મઘ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા મોરબી કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છુટાછાયા વરસાદની શક્યતા છે. અમદાવાદ- ગાંધીનગરના ભાગોમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે. 14 થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 12 ઇંચ ઉપર વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત અંબાલાલે, 18 અને 25 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી હતી.  ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું ઓમાન તરફ નહીં જાય તો ગુજરાતના દરિયાકાંઠે આવી શકે તેવી શક્યતા છે.