વૈશ્વિક સોનામાં સપ્તાહાંતે ઘટ્યા મથાળેથી ચમકારો, બજારની નજર ફેડરલની બેઠક પર
રમેશ કે ગોહિલ
આંતરરાષ્ટ્રીય સ્તરે ગત સપ્તાહે અમેરિકા અને ઈરાન વચ્ચેનાં ભૂરાજકીય તણાવમાં થયેલા વધારાની સાથે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. ક્રૂડતેલની તેજી સાથે વૈશ્વિક અર્થતંત્રોમાં ફુગાવામાં વધારો થવાની ભીતિ સપાટી પર આવવાની સાથે વધતા ફુગાવાને ડામવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. વધુમાં સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકામાં ઑગસ્ટ મહિનાના ફુગાવામાં આગલા જુલાઈ મહિનાના 0.1 ટકાના વધારા સામે 0.4 ટકાનો વધારો થયો હોવાનાં અમેરિકી શ્રમ મંત્રાલયના અહેવાલને ધ્યાનમાં લેતા બજારમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની હતી. જોકે, અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે ગુરુવારે ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો બોલાઈ ગયો હોવાથી શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. તેમ છતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે 1.5 ટકા જેટલો અને ચાંદીમાં 2.6 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
ગત સપ્તાહે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વૈશ્વિક બજારને અનુસતા બન્ને કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટને અંતે ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 4 સપ્ટેમ્બરના 10 ગ્રામદીઠ રૂ. 1,54,884ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,52,475ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 1,54,028 અને નીચામાં સપ્તાહના અંતે રૂ. 1,51,938ની સપાટીએ બંધ રહ્યા હતા. તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે 1.90 ટકાનો અથવા તો 10 ગ્રામદીઠ રૂ. 2946નો ઘટાડો નોંધાયો હતો. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 4 સપ્ટેમ્બરના કિલોદીઠ રૂ. 2,35,456ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 2,31,489ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,28,920 અને ઉપરમાં રૂ. 2,38,556ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 2.77 ટકા અથવા તો કિલોદીઠ રૂ. 6536ના ઘટાડા સાથે સપ્તાહની નીચી રૂ. 2,28,920ની સપાટીએ બંધ રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં જોવા મળેલી બેતરફી વધઘટને કારણે સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહી હતી. ખાસ કરીને સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી અને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ જોવા મળી હતી.
અમેરિકામાં ગત ઑગસ્ટ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો થયાના ગુરુવારે અહેવાલ આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા પ્રબળ બનતા સોનાના વૈશ્વિકભાવમાં ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવી ગયો હતો. જોકે, ત્યાર બાદ શુક્રવારે ઑગસ્ટ મહિનાના ફુગાવામાં પણ 0.4 ટકાની વૃદ્ધિ થતાં ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા વધુ પ્રબળ બની હતી. તેમ છતાં આગલા દિવસે સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોવાથી નીચા મથાળેથી રોકાણકારોનું આકર્ષણ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ એડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ અને ક્રૂડતેલના વધતા ભાવ મુખ્ય પરિબળ છે. ખાસ કરીને ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી ફુગાવામાં વધારાની ચિંતા હેઠળ વૈશ્વિક નાણાકીય અને કૉમૉડિટી બજારોમાં ભારે ચંચળતા જોવા મળી રહી છે. ટેક્નિકલ દૃષ્ટિએ આગામી સપ્તાહ દરમિયાન કૉમેક્સ વિભાગ પર સોનામાં આૈંસદીઠ 4280 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે. આ સપાટી તૂટતા ભાવ વધુ ઘટીને 4000 ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે આૈંસદીઠ 4500 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે અને ચાંદીમાં ભાવની રેન્જ આૈંસદીઠ 58થી 70 ડૉલરની જોવા મળી શકે છે. જોકે, સ્થાનિકમાં આગામી સપ્તાહે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,45,000થી રૂ. 1,56,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,24,000થી 2,40,000ની રેન્જમાં જોવા મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગત શુક્રવારે અમેરિકાનાં ફુગાવાના ડેટાની જાહેરાત પશ્ચાત્ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી 87 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ફુગાવાની જાહેરાત પૂર્વે આ ટકાવારી 67 ટકાના સ્તરે રહી હતી. જોકે, ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગુરુવારે સોનાના ભાવમાં બે ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હોવાથી ઘટ્યા મથાળેથી માગનો ટેકો મળતાં હાજરમાં ભાવ 1.1 ટકાના બાઉન્સબૅક સાથે આૈંસદીઠ 4363.01 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ આૈંસદીઠ 4408.90 ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા અને ચાંદીના ભાવ 1.6 ટકા વધીને આૈંસદીઠ 64.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હવે આગામી સપ્તાહે બજાર વર્તુળોની મીટ અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પર મંડાયેલી રહેશે. તે પૂવે ખાસ કરીને ક્રૂડતેલના ભાવ અને ડૉલર ઈન્ડેક્સની વધઘટની સોનાના ભાવ પર અસર જોવા મળશે, એવું વિશ્લેષકોનું માનવું છે.