Thu Jul 23 2026

Logo

PM મોદી સતત ત્રીજા મહિને આવશે ગુજરાત, આજે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

2026-07-04 08:44:00
Author: Mayur Patel
Article Image

 અમદાવાદ:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજા મહિને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે તેઓ સાણંદ ખાતે 'CG SEMI' આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. હાલમાં AI અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગના કારણે વિશ્વભરમાં મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સની જે માગ વધી રહી છે, તેને પૂરી કરવામાં આ ફેસિલિટી મોટી ભૂમિકા ભજવશે. આ ફેસિલિટી ખાતે વ્યાપારી ધોરણે ઉત્પાદનની શરૂઆત થતાં જ ભારતની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં નવો ઈતિહાસ લખાશે, જેના કારણે વૈશ્વિક સ્તરે દેશની સ્થિતિ વધુ મજબૂત બનશે.

સેમિકન્ડકટર પ્લાન્ટમાં ₹7,500 કરોડથી વધુનું મૂડી રોકાણ

આજે શરૂ થનારો આ હાઇ-ટેક પ્રોજેક્ટ 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ અત્યાધુનિક ફેસિલિટીને ₹7,500 કરોડથી વધુના વિશાળ મૂડી રોકાણ સાથે વિકસાવવામાં આવી છે. આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, તે વાર્ષિક અંદાજે 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની પ્રચંડ ક્ષમતા ધરાવશે. 

સાણંદનો આ પ્લાન્ટ માત્ર ચિપ બનાવશે એટલું જ નહીં, પરંતુ ઓટોમોટિવ (વાહન ઉદ્યોગ), ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા અદ્યતન ક્ષેત્રોના વૈશ્વિક ગ્રાહકોની જરૂરિયાતોને પણ સંતોષશે. CG સેમી ફેસિલિટી દ્વારા એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ તેમજ લોજિસ્ટિક્સ સપોર્ટ જેવી જટિલ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

PM મોદી ચાલુ વર્ષે  ક્યારે ક્યારે આવ્યા ગુજરાત

  • 28 ફેબ્રુઆરી: માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડના ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • 31 માર્ચ: સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • 11 મે: વડોદરામાં સરદાર ધામ-૩ નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સોમનાથ મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી.
  • 5 જૂન: સુરતના હજીરામાં વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં દક્ષિણ ગુજરાતને ₹૧૮,૭૭૮ કરોડ ના વિવિધ વિકાસકાર્યોની મોટી ભેટ આપવામાં આવી.
  • 4 જુલાઇ: સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનની સત્તાવાર શરૂઆત કરાવવામાં આવશે.