Tue Jun 23 2026

Logo

ફાર્મસી ક્ષેત્રે 'વન નેશન, વન કેડર'નો ઐતિહાસિક નિર્ણયને રાજકોટ RPA દ્વારા ઉષ્માભર્યો આવકાર

2026-06-22 21:46:10
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "ફાર્મસી ઓફ ધ વર્લ્ડ" ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડો. મોન્ટુકુમાર પટેલ અને ઉપપ્રમુખ જશુભાઇ ચૌધરીની આગેવાનીમાં દેશભરમાં ફાર્મસી ક્ષેત્રે એકસમાનતા લાવવા માટે "વન નેશન, વન કેડર" અંતર્ગત 'ફાર્મસિસ્ટ રિક્રુટમેન્ટ, પ્રમોશન એન્ડ સર્વિસ રેગ્યુલેશન, 2025' નું ભારતના સત્તાવાર રાજપત્રમાં પ્રકાશન કરવામાં આવ્યું છે.

આઝાદીના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે ફાર્માસિસ્ટોની ભરતી, બઢતી, સેવા શરતો અને તેમની કાર્યજવાબદારીઓને સમાન કાયદાકીય માળખા હેઠળ લાવવામાં આવી છે, જેને ફાર્મસી ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ નવા નિયમો અંતર્ગત દેશની જાહેર આરોગ્ય સેવાઓ અને ફાર્મસી વ્યવસાયને સંપૂર્ણ વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે અદ્યતન જોગવાઈઓ સામેલ કરાઈ છે. જેમાં 'ફાર્મસી ઓફિસર' થી લઈને 'જોઇન્ટ ડિરેક્ટર' કેડર, ક્લિનિકલ ફાર્મસી કેડર અને ડ્રગ ઇન્ફર્મેશન ટ્રેક કેડરની રચના કરી પે-સ્કેલ લેવલ ૭ થી લઈને લેવલ ૧૨ સુધીના પદની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે.

ભરતી અને બઢતી ઉપરાંત, આ નિયમન દ્વારા ફાર્માસિસ્ટોની વાસ્તવિક ભૂમિકા, દર્દીઓની ફાર્માસ્યુટિકલ કાળજી, દવાઓની સચોટ માહિતી, જાહેર આરોગ્ય અને દવાનો પુરવઠો સુચારુ રાખવા અંગેની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને પારદર્શક સેવાઓ મળી રહેશે.  

આ ઐતિહાસિક સીઝન અને કાયદાકીય ફેરફાર બદલ રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન (RPA) ના પ્રમુખ સત્યેન પટેલ અને જનરલ સેક્રેટરી પ્રતીકપુરી ગોસ્વામી સહિતના હોદ્દેદારોએ પીસીઆઈના પ્રમુખ ડૉ. મોન્ટુકુમાર પટેલ અને ઉપપ્રમુખ જશુભાઇ ચૌધરી તેમજ સમગ્ર ટીમનો હાર્દિક આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા.

એસોસિએશન દ્વારા દેશ અને રાજ્યના વ્યાપક લોકહિત તેમજ જાહેર આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સહિત તમામ રાજ્યોની સરકારો સમક્ષ એવી માંગણી અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ ભારતીય રાજપત્રનું તાત્કાલિક અસરથી અમલીકરણ કરવામાં આવે. આ કાયદો લાગુ થવાથી દેશભરના ફાર્માસિસ્ટોને પ્રગતિની સમાન તકો સાંપડશે અને રાષ્ટ્રની જાહેર આરોગ્ય વ્યવસ્થાને એક નવી વૈજ્ઞાનિક દિશા પ્રાપ્ત થશે.