અમદાવાદઃ વિદેશ જવા પાસપોર્ટ અગત્યનો પુરાવો છે. ભારતીય પાસપોર્ટના આધારે વિદેશ મુસાફરી કરી શકાય છે. વિદેશ મંત્રાલયની પહેલ હેઠળ પાસપોર્ટ સેવાની ઉપલબ્ધતા વધરાવા અમદાવાદ રિજલ પાસપોર્ટ ઓફિસ દ્વારા કચ્છના ભુજમાં પાસપોર્ટ સેવા મોબાઈલ વેન તૈનાત કરવામાં આવશે.
આ મોબાઈલ વેન 25 ફેબ્રુઆરીથી શરૂ કરીને ત્રણ દિવસ માટે ભુજમાં લાલ ટેકરી સ્થિત હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી કાર્યરત થશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભુજ અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓને લાંબુ અંતર કાપ્યા વિના પાસપોર્ટ અરજી અને સબમિશનની સુવિધા સરળતાથી પૂરી પાડવાનો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારો મોબાઈલ વેન ભુજ લોકેશન માટે નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે અથવા તેમની હાલની એપોઇન્ટમેન્ટ રિશેડ્યુઅલ કરી શકે છે. આ પગલાથી નિયમિત પાસપોર્ટ સેવા કેન્દ્રો પરની ભીડ ઓછી થશે અને દૂરના કેન્દ્રો સુધી મુસાફરી કરતા અરજદારોનો બોજ પણ ઘટશે.
સાણંદના સફળ પાયલટ પ્રોજેકેટ બાદ લેવાયું પગલું
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાણંદમાં હાથ ધરવામાં આવેલા સફળ પાયલટ પ્રોજેક્ટ બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જ્યાં એપોઇન્ટમેન્ટ માટેના વેઇટિંગ પીરિયડને ઘટાડવા અને સેવાની પહોંચ વધારવા માટે મોબાઈલ વેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સુવિધાનો લાભ લેવા શું કરવું પડશે
આ સુવિધાનો લાભ લેવા માટે, અરજદારોએ સત્તાવાર પાસપોર્ટ સેવા પોર્ટલ પર નોર્મલ કેટેગરી હેઠળ અરજી કરવાની રહેશે. ઓનલાઇન ફી ચૂકવ્યા પછી, એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ પેજ પર જઈને Mobile Van Bhuj વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2026ના હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટના પ્રભુત્વમાં વધારો થયો હતો. ભારતીય પાસપોર્ટે 10 સ્થાનની છલાંગ લગાવી હતી. ભારત આ યાદીમાં 85મા ક્રમેથી 75મા ક્રમે પહોંચી ગયું છે. હવે ભારતીય નાગરિકો વિશ્વના 56 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઈવલ મુસાફરી કરી શકશે.