Tue Sep 08 2026

Logo

પાલઘર હોસ્પિટલ હુમલો: એકનાથ શિંદેએ શિવસેના શહેર પ્રમુખ રાહુલ ઘરાતને સસ્પેન્ડ કર્યા

2026-09-07 20:34:20
Author: Mumbai Samachar Team
પાલઘર હોસ્પિટલ હુમલો: એકનાથ શિંદેએ શિવસેના શહેર પ્રમુખ રાહુલ ઘરાતને સસ્પેન્ડ કર્યા

મુંબઈ/પણજી: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના પાલઘર શહેર પ્રમુખ રાહુલ ઘરાતને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેમની પાર્ટીના હોદ્દેદારો દ્વારા કથિત રીતે એક ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ (જેમાં એક ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે આ પગલું લેવામાં આવ્યું છે.  

પણજી ખાતે યોજાયેલી ૨૮મી 'વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ'ની બેઠકમાં ભાગ લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા શિંદેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી ડોક્ટરો કે અન્ય આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધની હિંસાનું સમર્થન કરશે નહીં. "પાલઘરની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ડોક્ટરો કે (હોસ્પિટલના) અન્ય કર્મચારીઓ પર હુમલો કરવો યોગ્ય નથી," એમ તેમણે જણાવ્યું હતું.

મુંબઈ નજીક આવેલા પાલઘરની રિલીફ હોસ્પિટલના કર્મચારીઓ પર રવિવારે વહેલી સવારે શિવસેનાના પદાધિકારીઓ અને કાર્યકરોએ કથિત રીતે હુમલો કર્યો, અપશબ્દો કહ્યા અને ધમકી આપી હતી. 

આ ઘટના 'દહી હાંડી'ના ઘાયલ 'ગોવિંદા'ના તબીબી બિલને લઈને થયેલા વિવાદ બાદ બની હતી. બાદમાં, શિવસેનાના પાલઘર જિલ્લા અને શહેર એકમના વડાઓ તથા એક ધારાસભ્યના પુત્ર સહિત એક ડઝનથી વધુ પદાધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

શિંદેએ કહ્યું કે જો કોઈ દર્દીના બિલમાં કોઈ અનિયમિતતાઓ હોય, તો કાયદો હાથમાં લેવાને બદલે કાયદેસરની પ્રક્રિયા દ્વારા ફરિયાદ નોંધાવવી જોઈતી હતી. "શિવસેના આવા વર્તનનું સમર્થન નહીં કરે," તેમણે ભારપૂર્વક કહ્યું અને ઘરાતને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી. શિંદેએ પક્ષના કાર્યકરોને પણ ચેતવણી આપી હતી કે ડોક્ટરો અને અન્ય આરોગ્ય વ્યાવસાયિકો સામેની હિંસા કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.