Thu Jul 23 2026

Logo

વીજ લાઈન પરિપત્રને લઈ પાલ આંબલિયાના પ્રહારઃ સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ

2026-07-17 13:27:00
Author: Mayur Patel
Article Image

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલ આંબલિયાએ રાજ્ય સરકારના 4/7/2026 ના વીજ લાઈન પરિપત્રને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  પત્રમાં રાજ્ય સરકારના ચાવવાના અલગ ને બતાવવાના અલગ હોવાના આક્ષેપ કર્યો છે. ઉપરાંત સરકાર બોલે કંઇક, પરિપત્ર કરે કંઈક અને અમલ કરે એ બધાથી અલગ તેમ પણ જણાવ્યું છે.

 

ખેડૂતોને મૂર્ખ બનાવવાનો પરિપત્ર: પાલ આંબલિયા

પાલ આંબલિયાના પત્ર મુજબ, ખેડૂતોની માંગ મુજબ 10% વાત પણ પરિપત્રમાં નથી. આ પરિપત્ર માત્ર ખેડૂતોને મૂર્ખ બનાવવાનો પરિપત્ર છે. વીજ લાઈનોના કારણે જમીનની કિંમત ઘટે છે તેને પરિપત્રમાં ધ્યાનમાં જ લેવામાં નથી આવી. શોર્ટ સર્કિટના કારણે જે મૃત્યુ, પાક નુકશાની થાય છે તે જોખમ સામે કોઈ રક્ષણ પરિપત્રમાં આપવામાં આવ્યું નથી.

સરકારની જમીન જમીન છે તો ખેડૂતોની જમીન રણ છે ?

આ ઉપરાંત પાલ  આંબલિયાએ લખ્યું છે કે, MRC બનાવવામાં સરકારે ખેડૂતો સાથે ખૂબ મોટી રમત કરી છે. MRC માં ત્રણ કમિટી બનાવી બહુમતીમાં સરકાર અને કંપની જ રહે છે. ડ્રો સિસ્ટમમાં નીચા ભાવ પસંદ કરવાની જોગવાઈ ખેડૂત વિરોધી છે. જ્યારે બિન ખેતી કરાવીએ ત્યારે 10 મીટર જગ્યા છોડવી પડે તો 1 મીટરનું જ વળતર શા માટે ? કોરિડોરમાં 200% વળતર શા માટે નહીં ? MRC કમિટી 28 ગામો વચ્ચે એક શા માટે ? સરકાર જ્યારે જગ્યા આપે ત્યારે દરેક માગણીદાર માટે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બનાવે છે. દરેક અસરગ્રસ્ત ખેડૂતો માટે અલગ MRC બનાવવી જોઈએ. સરકારની જમીન જમીન છે તો ખેડૂતોની જમીન રણ છે ? તેવા પણ વેધક સવાલ પત્ર દ્વારા ઉઠાવ્યા છે.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પાલ આંબિલયા સ્પષ્ટ જણાવ્યું કે, વર્ષ 2013 ના જમીન સંપાદન કાયદા હેઠળ બજાર ભાવના 4 ગણાવળતરની જોગવાઈ હોવા છતાં, સરકાર માત્ર બે ગણું જ વળતર આપી રહી છે. ખેડૂત સંગઠનોએ અગાઉ માંગ કરી હતી કે તેમને પોલ દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું આપવામાં આવે અથવા એક સાથે 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. જોકે, સરકારે ખેડૂતોની આ વ્યાજબી માંગણી પર ધ્યાન આપ્યા વગર જ માત્ર કંપનીઓના હિતમાં પરિપત્ર જાહેર કરી દીધો છે.

પાલ  આંબલિયાએ ખેડૂતો અને મજૂરોની સુરક્ષાના મુદ્દા ઉઠાવતા માંગ કરી કે, વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ કે થાંભલા પડવા જેવી ઘટનામાં જો કોઈનું મૃત્યુ થાય અથવા કાયમી ખોડ-ખાપણ આવે, તો તે પરિવારને ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ. તેમજ પાક નુકસાનીના કિસ્સામાં 10 લાખ રૂપિયાની તાત્કાલિક સહાયની જોગવાઈ હોવી જોઈએ. આ તમામ વીમાનું સંપૂર્ણ પ્રીમિયમ વીજ કંપનીએ જ ભરવું જોઈએ.