Sun May 31 2026

Logo

પાકિસ્તાનના `રવીન્દ્ર જાડેજા'ને કારણે પ્રથમ વન-ડેમાં હાર્યું ઑસ્ટ્રેલિયા

Rawalpindi   2026-05-31 19:21:05
Author: Ajay Motiwala
Article Image

રાવલપિંડીઃ પાકિસ્તાને શનિવારે અહીં ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટના માર્જિનથી જે પ્રથમ મૅચમાં હરાવ્યું એમાં લેફ્ટ-આર્મ સ્પિનર અરાફત મિન્હાસ (10-1-32-5)ની જ સૌથી વધુ બોલબાલા હતા, કારણકે આ સ્પિનરે પોતાની પહેલી જ વન-ડેમાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો એ ઉપરાંત તે ભારતના પીઢ સ્પિનર રવીન્દ્ર જાડેજા (Jadeja) જેવી લેફ્ટ-આર્મ અને ક્વિક-આર્મ બોલિંગ ઍક્શનને લીધે છવાઈ ગયો હતો.

પાકિસ્તાનની ઑસ્ટ્રેલિયા સામે 1-0થી સરસાઈ

જૉશ ઇંગ્લિસના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાની ટીમ મૅટ રેન્શૉના 61 રન અને મૅથ્યૂ શૉર્ટના પંચાવન રનની મદદથી 200 રન બનાવી શકી હતી. મિન્હાસ (Minhas)એ પાંચ અને અબ્રાર અહમદે બે તેમ જ શાહીન આફ્રિદી, હારિસ રઉફ અને સલમાન આગાએ એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તાને જવાબમાં બાબર આઝમના 69 રન અને વિકેટકીપર ગાઝી ઘોરીના 65 રનની મદદથી 42.3 ઓવરમાં પાંચ વિકેટે 203 રન બનાવીને મૅચ જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી.

આઇપીએલ-ફ્લૉપ કૅમેરન ગ્રીનનો ઝીરો

અરાફત મિન્હાસની બોલિંગ ઍક્શન રવીન્દ્ર જાડેજા જેવી છે. ભારતમાં આઇપીએલમાં કોલકાતા વતી ફ્લૉપ પર્ફોર્મ કર્યા બાદ પાકિસ્તાનમાં વન-ડે સિરીઝ રમવા આવેલો કૅમેરન ગ્રીન શનિવારે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. મિન્હાસે ગ્રીન ઉપરાંત મૅથ્યૂ શૉર્ટ, જૉશ ઇંગ્લિસ, માર્નસ લબુશેન અને નૅથન એલિસની વિકેટ લીધી હતી.

જાડેજા કરીઅરની શરૂઆતમાં જે દમદાર સ્પિન બોલિંગ કરતો હતો એવું અત્યારે 21 વર્ષના પાકિસ્તાની સ્પિનર અરાફત મિન્હાસની બોલિંગમાં જોવા મળી રહ્યું છે. તે જાડેજાની જેમ હાથની ઝડપી મૂવમેન્ટથી બૉલ ફેંકે છે. મિન્હાસે રાવલપિંડીની પિચમાંથી એક્સ્ટ્રા બાઉન્સ અને સ્પિનની મદદથી ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોને મૂંઝવી નાખ્યા હતા.