પોર્ટ્સમાઉથ (ઇંગ્લૅન્ડ): ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાનના ક્રિકેટરોની નૅશનલ ટીમ ટેસ્ટ-સિરીઝમાં ખરાબ સ્થિતિનો સામનો કરી જ રહી છે એવામાં પાકિસ્તાનના જ અન્ડર-19 ક્રિકેટરોને પણ એક કડવો અનુભવ થયો છે. ઇંગ્લૅન્ડના એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ મુજબ મંગળવાર, આઠમી સપ્ટેમ્બરે સાંજે પાકિસ્તાનની અન્ડર-19 ટીમના ખેલાડીઓ પોર્ટ્સમાઉથમાં જે હૉટેલમાં હતા એની બહાર 30થી 40 લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું જેને પગલે આ ખેલાડીઓની સલામતી સામે જોખમ ઊભું થયું હતું. આ લોકો ઇંગ્લૅન્ડમાં અડ્ડો જમાવતા નિરાશ્રીતોની વિરુદ્ધમાં આંદોલન ચલાવી રહ્યા છે.
પાકિસ્તાનના ટીનેજ ક્રિકેટરોને પોર્ટ્સમાઉથની મૅરિયટ હૉટેલમાં ઊતારો આપવામાં આવ્યો હતો. એવી અફવા ઊડી હતી કે આ હૉટેલમાં કેટલાક વિદેશી લોકો આવી ચડ્યા છે. અફવાને પગલે મોટી સંખ્યામાં લોકો હૉટેલની બહાર આવી ગયા હતા. એ તો ઠીક, પણ તેઓ માસ્ક પહેરીને આવ્યા હતા. તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓએ આવીને પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે હૉટેલમાં રહેતા વિદેશીઓ બીજું કોઈ નહીં, પણ પાકિસ્તાનના અન્ડર-19 ખેલાડીઓ છે.
પોલીસે હૉટેલના સત્તાવાળાઓ સાથે ચર્ચા કર્યા પછી બહાર જમા થયેલા ટોળાને વાકેફ કર્યા હતા કે `તમને કોઈએ ખોટી માહિતી આપી હતી. હૉટેલમાં રહેતા યુવાનો કોઈ નિરાશ્રીતો (શરણાર્થીઓ) નથી, પણ પાકિસ્તાનના અન્ડર-19 ટીમના ખેલાડીઓ અને કોચ સહિતના અધિકારીઓ છે.' આ સાંભળીને બે જ મિનિટમાં વિરોધી લોકોનું ટોળું વિખેરાઈ ગયું હતું અને હૉટેલથી દૂર જતા રહ્યા હતા.
સોશ્યલ મીડિયામાં એક ફોટો વાઇરલ થયો હતો જેમાં મોટી સંખ્યામાં કેટલાક લોકોને બતાવાયા હતા. આ લોકો મૅરિયટ હૉટેલમાં ઊતર્યા હોવાની પણ જાણકારી કોઈએ મીડિયામાં આપી હતી. આ લોકો નિરાશ્રીતો છે અને ઇંગ્લૅન્ડમાં ક્યાંકને ક્યાંક સ્થાયી થઈ જવાની પેરવીમાં છે એવું માનીને વિરોધીઓનું ટોળું મુખવટા પહેરીને હૉટેલની બહાર આવી ચડ્યું હતું.
દરમ્યાન ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે હૉટેલમાં રહેતા પાકિસ્તાની અન્ડર-19 ખેલાડીઓની સલામતી વિશે પોલીસ તંત્રનો સંપર્ક કર્યો હતો અને તેમને કોઈ પણ પરેશાની ન થાય એની તકેદારી રાખવાની વિનંતી કરી હતી.
ઇંગ્લૅન્ડમાં આવ્યા બાદ પાકિસ્તાનના અન્ડર-19 ખેલાડીઓ ઇંગ્લૅન્ડ અન્ડર-19 સામે ચાર-દિવસીય મૅચ હારી ગયા છે, પરંતુ પછીથી તેમણે યુથ વન-ડે મૅચમાં ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમને 177 રનથી હરાવી હતી.