રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે એમ ગુજરાત રાજ્યમાં નવા નવા સમીકરણ બની રહ્યા છે. રાજકીય પક્ષો જે રીતે સક્રિય થઈ રહ્યા છે એ જોતા માહોલ દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે. રાજ્યનું હવમાન જે ગતિથી બદલે છે એના કરતા બમણી ગતિથી રાજકારણમાં બદલાવ આવી રહ્યો છે. એવામાં ક્ષત્રિય આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા અદા કરનાર પદ્મીનીબા વાળાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.
આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો
રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પાર્ટીના મોટા નેતાઓના હસ્તે ખેસ પહેરી લીધો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ જનતાની સેવા કરવાનો મોકો છે. બીજી તરફ, અન્યાય સામે અવાજ ઊઠાવવા માટે આ મંચ પર આવી છું. નોંધનીય છે કે, આ એ જ પદ્મીનીબા છે જેણે ક્ષત્રિય આંદોલન વખતે સરકાર સામે બાંયો ચડાવી હતી. લડત આપી હતી, જેનો ડંકો સમગ્ર ગુજરાત રાજ્યમાં પડઘાયો હતો. હવે તેઓ રાજનીતિમાં પ્રવેશ્યા છે ત્યારે પ્રજાલક્ષી અવાજ ઊઠાવશે એવી ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટીના મોટા નેતા ઈસુદાન ગઢવીએ પદ્મીનીબા વાળાનું સ્વાગત કર્યું હતું.
લોકો વચ્ચે રહીને લોકોનો અવાજ બનીશ
આ ઉપરાંત પદ્મીનીબા વાળાએ કહ્યું હતું કે, માત્ર વાતો કરવાની નથી પણ કામ કરીને પણ પરિણામ બતાવું છે. બીજી બધી પાર્ટીઓ માત્ર વાતો કરે છે. આમ આદમી પાર્ટીને છેલ્લા ઘણા સમયથી જોવ છું, એ પરિણામ લઈને આવે છે. છેલ્લા 15 વર્ષથી હું બહેન દીકરીઓ તરફથી અવાજ ઊઠાવી રહી છું હજુ પણ બહેન દીકરીઓ માટે કાયમ કામ કરતી રહીશ. આમ આદમી પાર્ટીએ મને સારો લાભ આપ્યો છે. લોકો વચ્ચે રહીને લોકોનો અવાજ બનવું છે.