સુરતઃ દક્ષિણ ગુજરાત ભાજપમાં ફરી એક વખત વિખવાદ સામે આવ્યો હતો. એક તરફ ભાજપ પોતાનું સંગઠન મજબૂત હોવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ પાયાના અને લાંબા સમયથી જોડાયેલા કાર્યકરની સતત અવગણના થઈ રહી છે. નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો થયો હતો. આદિવાસી મોરચના મંત્રીએ તમામ પદ પરથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો આવ્યો હતો. રાજીનામા માટે તેમણે ભાજપના આંતરિક વિવાદ અને તાલુકા સંગઠન સામે ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો હતો.
શું છે મામલો
સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં અનેક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. તેમણે લખ્યું કે, વર્ષ 2009 થી 2026 સુધી પક્ષમાં નિષ્ઠાપૂર્વક સક્રિય રહેવા છતાં છેલ્લા પાંચ વર્ષથી બારડોલી તાલુકા સંગઠન અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા તેમને કોઈ સહકાર આપવામાં નથી આવતો. સંગઠન દ્વારા સતત તેમની અવગણના કરવામાં આવતી હતી અને કામગીરીમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો.
આટલી પ્રતિકૂળતાઓ હોવા છતાં, તેમણે એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી હતી. પરંતુ પક્ષના આંતરિક વલણથી કંટાળીને અંતે તેમણે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. તેમણે આ રાજીનામા પાછળ આર્થિક બાબતો અને વિકાસના કામોમાં રોડા નાખવામાં આવતા હોવાનું પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત ગણપત રાઠોડે લખ્યું કે, તેમના વિસ્તારમાં આશરે રૂ. 11.45 લાખના વિકાસકામો પૂર્ણ થયા હોવા છતાં સત્તાધીશો દ્વારા બિલ મંજૂર કરીને નાણાં આપવામાં આવ્યા નથી, જેના કારણે નવા કામોમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે તેમના રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયાથી પોસ્ટ કર્યો છે.