Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં સસ્તા ભાવે ચીજો વેચતા મોલ માલિક સામે ઠગાઈની ફરિયાદ, પતિ-પત્નિ બંને ફરાર, ત્રીજી યુવતી કોણ ?

2026-07-09 09:44:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં સસ્તા ભાવે ચીજો વેચતા મોલ માલિક સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. ઘટના બાદ પતિ-પત્નિ બંને ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ત્રીજી યુવતી કોણ તે સવાલ ઉભો થયો છે. 

કયા મોલ માલિક સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ

ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ઓસિયા હાઈપર રિટેલ લિમિટેડના ડિરેક્ટરો અને સિનિયર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધી હતી. તેમના પર  એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી ઉધાર  માલ ખરીદીને, ત્યારબાદ બાઉન્સ થયેલા ચેક આપીને અને બાકી નીકળતી રકમ ન ચૂકવીને રૂ. 4.70 કરોડની છેતરપિંડી આચરી હતી. એફઆઈઆરમાં કંપનીના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરા, તેમની પત્ની કવિતા ચોપરા અને પ્રોક્યોરમેન્ટ ઓફિસર રુચિ રાજકુમારને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આ ફરિયાદ અમદાવાદના એક 51 વર્ષીય ઉદ્યોગપતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેઓ ગાંધીનગર જિલ્લામાં એફએમસીજી ડિસ્ટ્રિબ્યુશન કંપની ચલાવે છે. તેમણે આક્ષેપ કર્યો કે તેમની પેઢીની સંલગ્ન કંપનીના લેણાં સહિત આશરે રૂ. 1.90 કરોડ બાકી છે, જ્યારે અન્ય 12 ડિસ્ટ્રિબ્યુટર્સના મળીને કુલ રૂ. 2.70 કરોડ જેટલી રકમની ચૂકવણી બાકી છે.

એફઆઈઆર અનુસાર ફરિયાદી 2014થી ઓસિયા હાઈપર રિટેલને ગ્રાહક વપરાશી ચીજવસ્તુઓ અને ખાદ્ય ઉત્પાદનોની સપ્લાય કરી રહ્યા હતા. શરૂઆતમાં સમયસર ચૂકવણી કરવામાં આવતી હતી, જેનાથી રિટેલર અને સપ્લાયર્સ વચ્ચે વિશ્વાસ ઊભો થયો હતો. કંપનીના પ્રોક્યોરમેન્ટ (ખરીદી) એક્ઝિક્યુટિવ્સ અને અન્ય અધિકારીઓ નિયમિતપણે ડિસ્ટ્રિબ્યુટર્સને ખાતરી આપતા હતા કે ચૂકવણીમાં કોઈ વિલંબ નહીં થાય.

જો કે, એવો આક્ષેપ છે કે જુલાઈ 2025 પછી ચૂકવણી બંધ થઈ ગઈ હતી. છેલ્લી રૂ. 3 લાખની ચૂકવણી 28 જુલાઈ, 2025 ના રોજ ચેક દ્વારા મળી હતી. જ્યારે તેમણે બાકી લેણાં માટે ફોલોઅપ લીધું, ત્યારે એક પ્રોક્યોરમેન્ટ ઓફિસરે કથિત રીતે તેમને જણાવ્યું કે કંપનીના એક ડિરેક્ટરે રોકડ ચૂકવણી કરવાને બદલે પ્રોપર્ટી ટ્રાન્સફર કરીને આ રકમની પતાવટ કરવાનું નક્કી કર્યું છે.

એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદીએ આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કંપનીના ડિરેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે બેઠકો કરી હતી, જેમાં તેમને રૂ. 1.90 કરોડના બાકી લેણાં સામે રૂ. 3.50 કરોડની પ્રોપર્ટી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. વારંવારની ખાતરીઓ છતાં, પ્રોપર્ટી ક્યારેય ટ્રાન્સફર કરવામાં આવી ન હતી.

પોલીસે જણાવ્યું કે ફરિયાદીને બાદમાં પંજાબ નેશનલ બેંકના ખાતાના રૂ. બે-બે લાખના એવા 50 પોસ્ટ-ડેટેડ ચેક આપવામાં આવ્યા હતા. આ વર્ષના મે મહિનામાં જમા કરાયેલા ચેકોમાંથી એક ચેક ખાતામાં અપૂરતા ભંડોળને કારણે બાઉન્સ થયો હતો. જ્યારે તેમણે કંપનીના એક અધિકારીનો સંપર્ક કર્યો, ત્યારે તેમને કથિત રીતે કહેવામાં આવ્યું કે અન્ય કેટલાક સપ્લાયર્સને આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થયા છે.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીએ ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા સપ્લાય કરાયેલા માલનું વેચાણ કરી દીધું, વેચાણમાંથી મળેલી રકમ ડાયવર્ટ કરી દીધી અને બાકી લેણાં ચૂકવવાને બદલે તેના ડિરેક્ટરો અને તેમના પરિવારના સભ્યોના નામે મિલકતો ખરીદી લીધી હતી.  એવો પણ આક્ષેપ છે કે ડિરેક્ટરો ભારત છોડીને જતા રહ્યા છે, જોકે તેઓ હાલમાં ક્યાં છે તેની માહિતી નથી. સીઆઈડી ક્રાઈમ આ કથિત વિવાદ અને કંપનીના અન્ય અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.