Tue Oct 06 2026

Logo

12 બોલમાં ફિફ્ટી, 6 બોલમાં 6 સિક્સ: ઇંગ્લેન્ડ સામે યુવરાજના ઐતિહાસિક તાંડવને 19 વર્ષ પૂર્ણ

2026-09-19 12:43:00
Author: Mayur Patel
12 બોલમાં ફિફ્ટી, 6 બોલમાં 6 સિક્સ: ઇંગ્લેન્ડ સામે યુવરાજના ઐતિહાસિક તાંડવને 19 વર્ષ પૂર્ણ

નવી દિલ્હીઃ 19 સપ્ટેમ્બર, 2007નો દિવસ ક્રિકેટ પ્રેમીઓને યાદ જ હશે. આ દિવસે સિક્સર કિંગ યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો હતો. જેને ક્રિકેટ પ્રેમીઓ આજે પણ ભૂલ્યા નથી. ડરબનમાં રમાયેલી મેચમાં યુવરાજે ઇંગ્લેન્ડના પેસર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સળંગ છ છગ્ગા મારીને ઇતિહાસમાં સોનેરી અક્ષરે નામ લખાવ્યું હતું. 

2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલામાં ભારત અને ઇંગ્લેન્ડની ટક્કર થઈ હતી. ન્યૂ ઝીલેન્ડ સામે પ્રથમ સુપર-8 મેચ હાર્યા બાદ એમએસ ધોનીની યુવા ટીમ માટે આ મુકાબલો મહત્વનો હતો. ભારતે સેમી ફાઇનલમાં પહોંચવા માટે કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવી જરૂરી હતી.

ભારત મજબૂત સ્થિતિમાં હતું આ દરમિયાન યુવરાજ સિંહ બેટિંગ માટે મેદાન પર આવ્યો. યુવરાજ અને ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિન્ટોફ વચ્ચે કઈંક ટકરાવ થયો હતો. જે બાદ યુવરાજે તાબડતોડ બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન પૉલ કૉલિંગવુડે 19મી ઑવર સ્ટુઅર્ટ બ્રોડને આપી હતી. આ ઓવરમાં જે થયું તે ક્રિકેટ ઈતિહાસની યાદગાર ક્ષણ હતી.

યુવરાજે પ્રથમ બોલ પર મિડવિકેટ પરથી સિક્સ ફટકારી હતી. બીજા બોલ પર બેકવર્ડ સ્કવેર લેગ પરથી, ત્રીજા બોલ પર ડીપ એકસ્ટ્રા કવર, ચોથા બોલ પર પણ ડીપ એક્સ્ટ્રા કવર, પાંચમાં બોલ પર મિડવિકેટ અને અંતિમ બોલ પર લોંગ ઓન પર સિક્સ મારી હતી. આ રીતે યુવરાજે છ બોલમાં છ છગ્ગા ફટકારીને 36 રન બનાવ્યા હતા.

મેચમાં યુવરાજે છઠ્ઠી સિક્સ મારવાની સાથે માત્ર 12 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી હતી. તે સમયે ટી20 ક્રિકેટમાં આ સૌથી ઝડપી ફિફ્ટી હતી. યુવરાજ 16 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઈનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગા માર્યા હતા. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 218 રનનો તોતિંગ સ્કોર કર્યો હતો અને ઇંગ્લેન્ડને 18 રનથી હાર આપી હતી.

છ સિક્સવાળી એ ઓવર આજે પણ ખાસ છે

યુવરાજની છ સિક્સ માત્ર એક રેકોર્ડ નહોતી. આ ઓવરમાં તેનો આત્મવિશ્વાસ, ટાઈમિંગ અને બોલને મેદાનની બહાર મોકલવાની તાકાત સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. ખાસ વાત એ હતી કે તેણે બહુ ઓછા બોલમાં જ આખી મેચનું પાસું પલટી દીધું હતું. યુવરાજ T20 ઈન્ટરનેશનલની એક ઇનિંગ્સમાં એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ અગાઉ 2007માં જ હર્શલ ગિબ્સે વન-ડેમાં નેધરલેન્ડ્સ સામે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી.

 

યુવરાજ પછી બદલાયો ભારતીય T20 ક્રિકેટનો અંદાજ

યુવરાજની એ ઇનિંગ્સે ભારતીય ક્રિકેટમાં પાવર હિટિંગની એક અલગ જ તસવીર રજૂ કરી હતી. તે એવો બેટ્સમેન હતો જેને મોટો સ્કોર કરવા માટે વધુ સમયની જરૂર પડતી નહોતી. માત્ર ગણતરીના બોલમાં જ તે મેચનું પાસું પલટી શકતો હતો.

આજે ભારતીય ક્રિકેટમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા યુવા બેટ્સમેનોપણ આવા જ ફિયરલેસ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિષેકે તાજેતરમાં અફઘાનિસ્તાન સામે 34 બોલમાં 108 રનની રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી.