Tue Sep 29 2026

Logo

અમદાવાદમાં નર્સ સોફિયાનો સેક્સ વીડિયો વાયરલ થયોઃ અકળાયેલા પિતા-ભાઈએ કઈ રીતે હત્યાને એક્સિડન્ટમાં  ખપાવી ?

2026-09-09 10:11:27
Author: Mayur Patel
અમદાવાદમાં નર્સ સોફિયાનો સેક્સ વીડિયો વાયરલ થયોઃ અકળાયેલા પિતા-ભાઈએ કઈ રીતે હત્યાને એક્સિડન્ટમાં  ખપાવી ?

અમદાવાદ:  અમદાવાદના સરખેજમાં રહેતી 22 વર્ષીય નર્સ સોફિયાનો સેક્સ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ અકળાયેલા પિતા-ભાઈએ તેની હત્યા કરી હતી અને એક્સિડન્ટમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 27 દિવસની તપાસમાં ઓનર કિલિંગનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે પિતા-ભાઈની ધરપકડ કરી હતી.

શું હતો મામલો

સરખેજમાં રહેતી નર્સ સોફિયાની તેના પિતા અને ભાઈએ કથિત રીતે આબરૂના નામે હત્યા કરી નાખી હતી. આશરે ત્રણ મહિના પહેલાં સોફિયાનો તેના પુરુષ મિત્ર સાથેનો એક સેક્સ વીડિયો વાયરલ થયો હતો. શરૂઆતમાં આ હિટ-એન્ડ-રનનો કેસ લાગતો હતો. પોલીસને એવી માહિતી આપવામાં આવી હતી કે 12 ઓગસ્ટની રાત્રે સોફિયા હાબીલની મોટરસાઇકલ પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે સમૃદ્ધ ડેરી નજીક કોઈ અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી. સોફિયાના માથાના પાછળના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં 13 ઓગસ્ટે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

પોલીસે શું કહ્યું

પોલીસના જણાવ્યું પ્રમાણે, તપાસમાં સામે આવ્યું કે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અકસ્માતની ખોટી વાર્તા ઉપજાવી કાઢવામાં આવી હતી. જોકે,  તપાસમાં ઓનર કિલિંગનો ખુલાસો થયો હતો. આરોપીઓની ઓળખ 56 વર્ષીય મોહમ્મદ ફારૂક નવાબખાન અને 38 વર્ષીય હાબીલ ફારૂક તરીકે થઈ હતી. ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા આ બંને આરોપીઓ પિતા-પુત્ર સોફિયાને સરખેજના ઘેલજીપુરા નજીક એક નિર્જન જગ્યાએ લઈ ગયા હતા અને તેના પર હથોડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ આ હત્યાને અકસ્માતનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. સોફિયા જુહાપુરાની એક હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી.

આરોપીઓ સોફિયાને મોટરસાઇકલ પર ઘેલજીપુરા ગામ નજીકના એક નિર્જન વિસ્તારમાં લઈ ગયા હતા.  હાબીલે તેના પેન્ટમાં લોખંડની હથોડી છુપાવી રાખી હતી. આશરે ત્રણ મહિના પહેલાં સોફિયા અને એક યુવકનો સેક્સ વીડિયો વાયરલ થયો હતો, જે બાદ તેના પિતા અને ભાઈએ તેને ઠપકો આપ્યો હતો તેમજ અન્ય છોકરાઓ સાથે સતત વાતચીત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સમાજમાં પરિવારની આબરૂ બચાવવાના નામે બંને આરોપીઓએ સોફિયા પ્રત્યે અદાવત રાખી તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, નિર્જન સ્થળે પહોંચ્યા પછી પિતા ફારૂકે મદદ કરી હતી અને પુત્ર હાબીલે સોફિયાના માથા પર હથોડીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ તેઓ સોફિયાને મુખ્ય માર્ગ પર લઈ આવ્યા અને અજાણ્યા વાહને ટક્કર મારી હોવાનો ઢોંગ રચ્યો હતો. તપાસને ભટકાવવા માટે આરોપીઓએ અજાણ્યા વાહન વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી અકસ્માતનું ખોટું નાટક ઊભું કર્યું હતું. પોલીસે પિતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.