Thu Jun 25 2026

Logo

ટ્રાફિક જામમાં ફસાયા પૂર્વ DyCM નીતિન પટેલ: સીધા પોલીસ સ્ટેશને પહોંચી સ્ટાફનો લીધો ઉધડો, વીડિયો વાયરલ

2026-06-25 17:20:34
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં લાંબી ઇનિંગ રમનારા અને પાંચ મુખ્ય પ્રધાનો સાથે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો એક અલગ જ આકરો મિજાજ જોવા મળ્યો હતો. બુધવારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલના ગુરુકુલ નજીક ડ્રેનેજ લાઇનના કામકાજના કારણે ડાયવર્ઝન આપતાં રસ્તો સાંકડો થઈ ગયો હતો. જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટેમાં અંદાજે હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પોતે આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.

હાઈવે પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો હોવા છતાં ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ કે હાઈવે પોલીસ હાજર ન જણાતા નીતિન પટેલ સીધા કલોલ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં હાજર પોલીસ સ્ટાફનો ઉધડો લીધો હતો. તેમને પોલીસકર્મીઓને સવાલ કર્યો હતો કે, આટલો મોટો જામ હોવા છતાં રસ્તા પર કોઈ પોલીસ કેમ દેખાતી નથી? જનતા કલાકો સુધી પરેશાન થાય છે તેની પોલીસને ખબર કેમ નથી પડતી? તેમણે આક્રોશ સાથે કહ્યું કે, "તમારામાં જરાય જવાબદારીની ભાવના નથી, હું આ બાબતે તમારા ડીવાયએસપી  સાથે વાત કરીશ."

વાતચીત દરમિયાન નીતિન પટેલે દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલોનો ઉલ્લેખ કરીને પોલીસ તંત્રને આડે હાથ લીધું હતું. તેમણે જણાવ્યું કે, એક તરફ દેશના પીએમ નરેન્દ્ર મોદીપેટ્રોલ અને ડીઝલ બચાવવાની વાતો કરે છે, ત્યારે હાઈવે પર પોલીસની આવી ગંભીર બેદરકારી અને કલાકોના ટ્રાફિક જામને કારણે ઇંધણનો મોટો બગાડ થાય છે, જે વડાપ્રધાનની અપીલોને નિષ્ફળ બનાવી દે છે. હાલ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.