Thu Apr 30 2026

Logo

સૌથી મોટો બોજ: લખનઊને નિકોલસ પૂરનનો દરેક રન 15 લાખ રૂપિયામાં પડ્યો!

2026-04-27 12:00:00
Author: Ajay Motiwala
Article Image

 


અજય મોતીવાલા


લખનઊ: અહીં રવિવારે કોલકાતા (20 ઓવરમાં 7/155) સામેના થ્રિલરમાં યજમાન લખનઊ (20 ઓવરમાં 8/155)ની સુપર ઓવરમાં જે નાલેશી થઈ એ પહેલાં મુખ્ય મૅચમાં જ લખનઊ (Lukhnow)ને જીતવાનો સારો મોકો હતો, પરંતુ એ એણે ગુમાવ્યો હતો અને એ માટે કૅરિબિયન બૅટ્સમૅન નિકોલસ પૂરન (Pooran) સૌથી વધુ જવાબદાર કહી શકાય. સંજીવ ગોયેન્કાનું એલએસજી (LSG) ફ્રેન્ચાઇઝી પૂરનને આઈપીએલની એક સીઝન રમવાના 21 કરોડ રૂપિયા આપે છે. જોકે પૂરન આ વખતે આઠેય મૅચમાં સદંતર ફ્લૉપ રહ્યો છે. લખનઊના ફ્રેન્ચાઇઝીને પૂરનનો એક રન આ વખતે અત્યાર સુધીમાં અંદાજે 15 લાખ રૂપિયામાં પડ્યો છે.

રવિવારે પૂરને મુખ્ય મૅચમાં 12 બૉલમાં નવ કર્યા હતા. ચોથા ક્રમે બૅટિંગ કરનાર પૂરન સ્પિનર વરૂણ ચક્રવર્તીના બૉલમાં સુનીલ નારાયણના હાથમાં કૅચઆઉટ હતો. પૂરન લખનઊને 156 રનનો સાધારણ લક્ષ્યાંક તો નહોતો અપાવી શક્યો, મૅચ ટાઈ થવાને કારણે સુપર ઓવરમાં ગઈ ત્યારે તેના પર વિશ્વાસ મૂકીને કેપ્ટન રિષભ પંતે તેને એઇડન માર્કરમ સાથે બૅટિંગ શરૂ કરવા મોકલ્યો હતો, પરંતુ પૂરન ત્યારે સ્પિનર સુનીલ નારાયણના પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ત્યાર બાદ કેપ્ટન રિષભ પંતે એક રન કર્યો હતો, પણ નારાયણના ત્રીજા બૉલમાં માર્કરમ પણ આઉટ થતાં લખનઊની ટીમનો દાવ એક રનમાં સમેટાઈ ગયો હતો. કોલકાતાના રિન્કુ સિંહે પ્રિન્સ યાદવના પહેલા જ બૉલમાં ચોગ્ગો ફટકારીને કોલકાતાને રોમાંચક વિજય અપાવ્યો હતો.

પૂરનનો આઠ મૅચમાં પર્ફોર્મન્સ કેવો છે?

આઈપીએલની આ વખતની સીઝનમાં નિકોલસ પૂરનના સ્કોર: દિલ્હી સામે 8 રન, હૈદરાબાદ સામે 1 રન, કોલકાતા સામે 13 રન, ગુજરાત સામે 19 રન બેંગલૂરુ સામે 1 રન,  પંજાબ સામે 9 રન, રાજસ્થાન સામે 22 રન અને કોલકત્તા સામે 9 રન.

પાંચ સુપર ઓવરમાં પૂરનના ચાર ઝીરો!

નિકોલસ પૂરન અત્યાર સુધીમાં જેટલી પણ સુપર ઓવર રમ્યો છે એમાં તેનો રેકૉર્ડ ખૂબ જ ખરાબ છે: 0, 0, 0, 1 અને 0. આમ છતાં રવિવારે કેપ્ટન રિષભ પંત અને ટીમ મૅનેજમેન્ટે પૂરન પર ભરોસો મૂકવાની મોટી ભૂલ કરી હતી જે બદલ પંત અને સમગ્ર ટીમની ખૂબ ટીકા થઈ રહી છે.

ખરા સમયે પણ કામનો નહીં

વેસ્ટ ઈન્ડિઝનો 30 વર્ષીય લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન પૂરન આઈપીએલમાં ત્રણ ટીમ વતી કુલ 98 મૅચ રમ્યો છે. એમાં તેણે કુલ 2,375 રન કર્યા છે જેમાં 171 છગ્ગા અને 162 ચોગ્ગા સામેલ છે. જોકે રવિવારે તે લખનઊને ખરા સમયે નહોતો જિતાડી શક્યો.

પૂરનનો એક રન કેવી રીતે 15 લાખમાં પડ્યો?

માની લઈએ કે લખનઊ પ્લે-ઑફમાં કદાચ ન પહોંચે તો પણ પૂરન કદાચ બધી 14 લીગ મૅચ રમશે અથવા એ રમવા માટે ઉપલબ્ધ રહેશે. પૂરન લખનઊની આ કદાચ તમામ 14 લીગ મૅચ રમશે અથવા તો બાકીની મૅચો રમવા માટે પણ ઉપલબ્ધ રહેશે એટલે તેને સીઝનના પૂરા 21 કરોડ રૂપિયા મળશે જ. તેને આખી સીઝન રમવાના કુલ 21 કરોડ રૂપિયા મળવાના છે એ જોતાં તેણે અત્યાર સુધીમાં 8 મૅચ રમી લીધી હોવાથી તેના 12 કરોડ રૂપિયા પાકી ગયા કહેવાય. જોકે આ આઠ મૅચમાં તેણે કુલ મળીને ફક્ત 82 રન કર્યા છે. એ રીતે 12 કરોડ રૂપિયા ÷ 82 રનનો ભાગાકાર કરીએ તો લખનઊના માલિકોને પૂરનનો અત્યાર સુધીનો એક રન અંદાજે 15 લાખ રૂપિયામાં પડ્યો છે.