Fri Aug 28 2026

Logo

એક નહીં આજથી બદલાઇ રહ્યા છે અનેક મોટા નિયમ, તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?

2026-08-01 10:30:00
Author: Mumbai Samachar Team
એક નહીં આજથી બદલાઇ રહ્યા છે અનેક મોટા નિયમ, તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?

દર મહિનાની પહેલી તારીખની જેમ ઓગસ્ટ મહિનો પણ પોતાના પ્રત્યે કેટલાક ફેરફારો લઈને આવી રહ્યો છે, જેની મારી અને તમારી જિંદગી પર મોટી અસર પડવાની છે. આ ફેરફારોમાં રસોઈ ગેસની કિંમતથી લઈને સ્પીડ પોસ્ટ અંગે બનાવવામાં આવેલા નવા નિયમો સામેલ છે. ચાલો જાણીએ કે આજથી એટલે કે 1 ઓગસ્ટ 2026થી એવા કયા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેના વિશે જાણવું તમારા માટે જરૂરી છે.  

સ્પીડ પોસ્ટના નવા દરો  

રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. તેના ઠીક પહેલા ભારતીય ટપાલ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 500 ગ્રામ સુધીના રાખડીના કવરને પાર્સલ નહીં, પરંતુ 'ડોક્યુમેન્ટ' (દસ્તાવેજ) ની શ્રેણીમાં રાખવામાં આવશે. આનાથી બહેનો ઓછા ખર્ચમાં પોતાના ભાઈ માટે રાખડી મોકલી શકશે. આ ઉપરાંત, દિલ્હી, મુંબઈ, કોલકાતા સહિત 6 પ્રમુખ મહાનગરો માટે નવી ડિલિવરી સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં 50 ગ્રામ સુધીના લોકલ કવર માટે 38 રૂપિયા અને દેશભર માટે 94 રૂપિયા (GST સહિત) નો બેઝ રેટ નક્કી કરવામાં આવ્યો છે.

એલપીજી (LPG) ની નવી કિંમતો

HPCL, BPCL, IOCL જેવી સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. સમીક્ષા બેઠક પછી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના રેટમાં ફેરફાર થયો છે. આ સિલિન્ડર 200 રૂપિયા સસ્તો થઈ ગયો છે. નવી કિંમતો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ઉતાર-ચઢાવ પર નિર્ભર કરે છે. કોમર્શિયલ સિલિન્ડરના રેટ સસ્તા થવાથી હોટેલ-રેસ્ટોરાં, ઢાબા અને ફૂડ સ્ટોલ પર ખાવાનું સસ્તું મળી શકે છે.

તત્કાલ ટિકિટ બુકિંગની નવી ટોકન સિસ્ટમ

ભારતીય રેલવે 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. નવી વ્યવસ્થા હેઠળ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુક કરાવવાની રીત બદલાઈ જશે. હવે રિઝર્વેશન કાઉન્ટર પર ટોકન વહેંચવાનો સમય તત્કાલ બુકિંગ થવાના સમયના હિસાબે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી, મુસાફરોએ ટિકિટ બુકિંગ માટે આવતા પહેલા ટોકન લેવા માટે વારંવાર અલગથી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. આશા છે કે આ ફેરફારથી પ્રક્રિયા સરળ થઈ જશે અને રિઝર્વેશન કાઉન્ટર પર ભીડ ઓછી થશે..

ક્રેડિટ કાર્ડ ચાર્જમાં ફેરફાર

HDFC અને IDFC ફર્સ્ટ બેંક સહિતની ઘણી મોટી બેંકો ક્રેડિટ કાર્ડને લઈને પોતાના નિયમો અપડેટ કરવા જઈ રહી છે. આમાં ક્રેડિટ કાર્ડ દ્વારા વીજળીનું બિલ ભરવા અથવા ઘરનું ભાડું ચૂકવવા પર હવે 1% વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવાની વાત કહેવામાં આવી રહી છે. સાથે જ ફ્યુઅલ (બળતણ) અને ઇન્શ્યોરન્સ પેમેન્ટ જેવી કેટલીક કેટેગરી પર મળતા મંથલી રિવોર્ડ પોઈન્ટ્સની પણ મહત્તમ મર્યાદા ઘટાડવામાં આવી રહી છે.

ITR મોડા ભરવા પર દંડ

પગાર મેળવતા લોકો અને વગર-ઓડિટવાળા ટેક્સપેયર્સ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 છે. જો તમે આ તારીખ સુધીમાં તમારું ટેક્સ રિટર્ન ભરવાથી ચૂકી જાઓ છો, તો તમારે તમારી ટેક્સેબલ ઇન્કમ (કરપાત્ર આવક)ના આધારે લેટ ફાઇલિંગ ફી અને બીજા લાગુ પડતા દંડ ભરવા પડી શકે છે. આનાથી બચવા માટે જે લોકોએ હજી સુધી પોતાનું રિટર્ન ફાઇલ કર્યું નથી, તેઓ વધારાના ચાર્જથી બચવા માટે છેલ્લી તારીખ પહેલાં આ પ્રક્રિયા પૂરી કરી શકે છે.

આધાર બેસ્ડ CKYC 2.0

1 ઓગસ્ટથી બેંકિંગ, ઇન્શ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટર સેન્ટ્રલ નો યોર કસ્ટમર (CKYC) 2.0 શરૂ કરવા જઈ રહ્યા છે. આ અપગ્રેડેડ સિસ્ટમની મદદથી ગ્રાહકની ડિજિટલ સંમતિ મળ્યા પછી એક સેન્ટ્રલાઈઝ્ડ ડેટાબેઝ દ્વારા તેમની વેરિફાઈડ માહિતી મેળવી શકાશે. સરળ શબ્દોમાં કહીએ તો, કસ્ટમર્સે હવે દર વખતે બેંક એકાઉન્ટ ખોલતી વખતે, ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા કેટલીક ખાસ ફાઇનાન્શિયલ સર્વિસિસનો ઉપયોગ કરતી વખતે વારંવાર એ જ KYC ડૉક્યુમેન્ટ્સ જમા કરાવવાની જરૂર નહીં પડે. આ પગલાથી ડોક્યુમેન્ટસનું કામ ઓછું થવા, ડિજિટલ ઓનબોર્ડિંગ ઝડપી બનવા અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત અને સરળ થવાની અપેક્ષા છે.

ખાંડની સ્ટોક લિમિટ લાગુ

ખાંડની કાળાબજારી પર લગામ કસવા માટે સરકારે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી સમગ્ર દેશમાં ખાંડના વેપારીઓ પર સ્ટોક લિમિટ લાગુ કરી દીધી છે. આ નિયમ હેઠળ, ખાંડના જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વિક્રેતાઓ મહત્તમ 4,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં. વેપારીઓએ દર અઠવાડિયે સરકારી વેબસાઈટ પર પોતાની પાસેના સ્ટોક લિમિટની માહિતી પણ આપવી પડશે.