Fri Aug 28 2026

Logo

નીટ યુજીનું પેપર ફરી લીક થયું? જાણો NTA એ શું કરી સ્પષ્ટતા

2026-06-22 12:12:00
Author: Mayur Patel
નીટ યુજીનું પેપર ફરી લીક થયું? જાણો NTA એ શું કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ રવિવારે ફરીથી નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 20 લાખથી વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં નીટ યુજીનું પેપર લીક થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

શું છે વાયરલ વીડિયોમાં

સોશિયલ મીડિયા યુઝરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લખ્યું કે, ઈન્ટરનેટ પર મળેલા આ વીડિયો અંગે સાચી માહિતી આપો. તેની તપાસ કરો અને જાણકારી આપો. શું ફરીથી કોઈ ગરબડ થઈ છે? સ્પષ્ટ માહિતી મળશે તો મદદ અને રાહત મળશે.

NTA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નિવેદનમાં જણાવ્યું છે કે પરીક્ષા વ્યાપક સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા વચ્ચે સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'એનટીએનું ધ્યાન સોશિયલ મીડિયા પર નીટ-યુજી (NEET-UG) 2026 વિશે ફેલાવવામાં આવી રહેલા એક મનઘડંત વીડિયો તરફ દોરવામાં આવ્યું છે. વીડિયોમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો  છે.

ભ્રામક માહિતી ફેલાવવી એ ગંભીર ગુનો: NTA

એજન્સીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને છેતરવા અથવા તેમનામાં ડર પેદા કરવા માટે આ પ્રકારની ભ્રામક માહિતી તૈયાર કરવી અને તેને જાણીજોઈને ફેલાવવી એ એક ગંભીર ગુનો છે.  NTA એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય જનતાને માહિતી મેળવવા માટે માત્ર સત્તાવાર વેબસાઇટ અને એજન્સીના વેરિફાઇડ સોશિયલ મીડિયા હેન્ડલ પર જ ભરોસો રાખે અને આવી ખોટી સામગ્રીને આગળ ન વધારે તેવી અપીલ કરી હતી.

20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

રવિવારે 20 લાખથી વધુ ઉમેદવારોએ નીટની પુનઃપરીક્ષા આપી હતી. આ પહેલાં, પેપર લીક થવાના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી.