Fri May 15 2026

Logo

નીટ પેપર લીક: લાતુરના કોચિંગ સેન્ટરના ડિરેક્ટરની સીબીઆઈએ પૂછપરછ કરી

2026-05-15 19:13:55
Author: Yogesh C Patel
Article Image

લાતુર: નીટ (યુજી) પેપર લીક કેસની તપાસ કરનારી સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) શુક્રવારે લાતુર શહેરમાં આવેલા પ્રતિષ્ઠિત કોચિંગ સેન્ટરના ડિરેક્ટરની પૂછપરછ કરી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ સીબીઆઈની ટીમ ગુરુવારની રાતે શિવનગર વિસ્તારમાંની ઓમકાર રેસિડેન્સીમાં રહેતા રેનુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસના ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરના ઘરે ગઈ હતી. શુક્રવારની વહેલી સવારે ટીમ ફરી મોટેગાંવકરના નિવાસસ્થાને પહોંચી હતી અને પેપર લીક કેસ સંબંધે પૂછપરછ કરી હતી.

સીબીઆઈની 28 સભ્યની ટીમ હાલમાં લાતુરમાં તપાસ માટે આવી છે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ મોટેગાંવકરના ઘરેથી અધિકારીઓ પાછા ફર્યા ત્યારે પત્રકારોએ તેમને તપાસ અંગે પ્રશ્ર્નો કર્યા હતા, પરંતુ તેમણે ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

સીબીઆઈ બુધવારે લાતુર પહોંચી હતી અને પેપર લીક તપાસના ભાગ રૂપે સ્થાનિક કૉલેજના કેમિસ્ટ્રીના નિવૃત્ત ફૅકલ્ટી સભ્ય પી. વી. કુલકર્ણીને તાબામાં લીધો હતો. કુલકર્ણી કૉલેજમાંથી ચાર વર્ષ અગાઉ નિવૃત્ત થયો હતો અને રસાયણ વિષય માટે નીટનું પેપર સેટ કરનારી કમિટીમાં હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મેડિકલ કૉલેજમાં અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસમાં પ્રવેશ માટે ત્રીજી મેના રોજ નીટ (યુજી) 2026 પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના પેપર લીક થયા પછી પરીક્ષા 12મેના રદ થયેલી જાહેર કરવામાં આવી હતી. આ પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી.

એક વિદ્યાર્થીના વાલીએ લાતુરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને આ મામલે ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અમોલ તાંબેએ સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડીપીઓ) સમીરસિંહ સાળવેને તપાસનો આદેશ આપ્યો હતો.

(પીટીઆઈ)