Thu Jun 11 2026

Logo

વિદેશી પ્રવાસીઓની વિગતો જાહેર ન કરનારા હોટેલ માલિક-મૅનેજર સામે ગુનો

2026-03-22 17:16:16
Author: Yogesh C Patel
Article Image

થાણે: પોલીસ પોર્ટલ પર વિદેશી પ્રવાસીઓની વિગતો કથિત રીતે અપલૉડ ન કરવા બદલ નવી મુંબઈની એક હોટેલના માલિક અને મૅનેજર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સાનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બે મહિલા સહિત ચાર ટુર્કિશ નાગરિક ગયા વર્ષની 28થી 30 ડિસેમ્બર સુધી સાનપાડાની એક હોટેલમાં રોકાયાં હતાં. 

આ નાગરિકોની વિગતો હોટેલ દ્વારા પોલીસ પોર્ટલ પર અપલૉડ કરાઈ નહોતી. કાયદા અનુસાર વિદેશી પ્રવાસીઓની વિગતો પોલીસ વેબસાઈટ પર અપલૉડ કરવી ફરજિયાત છે. તેમ છતાં વિદેશી નાગરિકોની માહિતી જાહેર ન કરવા બદલ આ કાર્યવાહી કરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

સાનપાડા પોલીસની ટીમ દ્વારા હોટેલોનાં રજિસ્ટરની નિયમિત ચકાસણી દરમિયાન આ છબરડો સામે આવ્યો હતો. હોટેલના માલિક અને મૅનેજર દ્વારા બેદરકારી દાખવવામાં આવતાં પોલીસે પગલાં લીધાં હતાં. આ મામલે પોલીસે બન્ને વિરુદ્ધ શનિવારે ફોરેનર્સ ઑર્ડર અને ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)