Fri Aug 28 2026

Logo

TCS ધર્માંતરણ કાંડ: 1500 પાનાની ચાર્જશીટમાં થયા ચોંકાવનારા ખુલાસા, ચેટમાંથી મળી મહત્ત્વની કડી

2026-05-22 22:20:13
Author: Mumbai Samachar Team
TCS ધર્માંતરણ કાંડ: 1500 પાનાની ચાર્જશીટમાં થયા ચોંકાવનારા ખુલાસા, ચેટમાંથી મળી મહત્ત્વની કડી

નાશિક: નાશિક TCS ધર્માંતરણ કેસમાં ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં દાનિશ ઈજાજ શેખ, તૌસિફ બિલાલ અત્તાર, નિદાખાન એજાજ અને મતિન માજીદ પટેલ સામે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી છે. આ ચાર્જશીટમાં શારીરિક અત્યાયાર, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી અને એટ્રોસિટી અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત કેસ ફાઈલ કરાયો હોવાનો ઉલ્લેખ છે. 

SIT દ્વારા તપાસ થઈ હતી

આ કેસમાં કુલ 17 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. આ તપાસમાં પીડિત તથા અન્ય આરોપીઓના મેડિકલ રિપોર્ટને પણ જોડી દેવામાં આવ્યા છે. તપાસમાંથી એ વાત સામે આવી છે કે, ધર્માંતરણ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ થતુ એના ટેકેનિકલ તેમ જ ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે. આ ઉપરાંત પીડિતાનું નામ બદલવા માટે આરોપીઓ વપરાયેલા કેટલાક મૂળ દસ્તાવેજ પણ પોલીસે જપ્ત કરી લીધા છે. સમગ્ર ધર્માંતરણ કેસમાં દેવલાલી કેમ્પ અને મુંબઈ પોલીસ સ્ટેશનમાં કુલ 9 કેસ ફાઈલ કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને લઈને નાશિક શહેર પોલીસના ઉચ્ચ અધિકારી સંદીપ કર્ણીકના આદેશ પર સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. નાશિકમાં આવેલી સ્પેશ્યલ કોર્ટમાં આ ચાર્જશીટ રજૂ કરાઈ હતી. 

જામીન અરજી ફગાવી

પોલીસે પુરાવા તરીકે પીડિતા તથા આરોપીઓના કેટલાક દસ્તાવેજ, મેડિકલ રિપોર્ટ ઉપરાંત ધર્માતરણને લગતું સાહિત્ય, મોબાઈલની વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ તથા ઈમેઈલ જેવા ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. આ ઉપરાંત આરોપીના બેંક ખાતાની તપાસ, સ્ટેટમેન્ટ, જાતિના પ્રમાણપત્રો તથઆ ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલા વાહનોને પણ જપ્ત કર્યા છે. આ સિવાય પોલીસ હજુ કેટલીક પુરક માહિતી ભેગી કરી શકે છે. મુંબઈના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 8 ફરિયાદ અંતર્ગત નિયત સમયમાં અન્ય ચાર્જશીટ દાખલ થઈ શકે છે. આ કેસમાં કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.