Tue Sep 01 2026

Logo

નાંદેડમાં પાંચ વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ: પડોશીની ધરપકડ

2026-08-26 16:10:36
Author: Yogesh D. Patel
નાંદેડમાં પાંચ વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ: પડોશીની ધરપકડ

નાંદેડ: નાંદેડ જિલ્લામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ પડોશમાં રહેતા યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લાના સોનખેડ પોલીસ સ્ટેશનની હદમાં સોમવારે આ ઘટના બની હતી અને પોલીસે 30 વર્ષના આરોપીને મંગળવારે પરભણી જિલ્લામાંથી પકડી પાડ્યો હતો.

બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને ચોકલેટની લાલચ આપી તેને પોતાની સાથે લઇ ગયો હતો. બાદમાં તેણે બાળકીને વાસનાનો શિકાર બનાવી હતી. અડધો કલાક બાદ બાળકી રડતી રડતી પોતાના ઘરે પાછી ફરી ત્યારે પરિવારજનોને શંકા ગઇ હતી. તેમણે બાળકીની પૂછપરછ કરતાં ઘટના પ્રકાશમાં આવી હતી.

દરમિયાન બાળકીના પરિવારે આ પ્રકરણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસની અનેક ટીમ તૈયાર કરાઇ હતી અને તેમને અલગ અલગ સ્થળે રવાના કરવામાં આવી હતી.

પોલીસ ટીમે મંગળવારે પરભણી જિલ્લાના પાલમ તહેસીલમાં સ્મશાનભૂમિ નજીક ઝાંડીઝાંખરામાં છુપાયેલા આરોપીને તાબામાં લીધો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)