નાંદેડ: નાંદેડ જિલ્લામાં યુવકને હની-ટ્રેપમાં ફસાવીને નાણાં વસૂલવાનો પ્રયાસ કરવા બદલ ચાર મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાએ 31 જુલાઇએ ડ્રાઇવરની જરૂર હોવાનું કહી યુવકને બેલાનગર ખાતે બોલાવ્યો હતો. યુવક ત્યાં આવ્યા બાદ તેને એક ઘરમાં લઇ જવાયો હતો, જ્યાં આરોપીએ તેના આપત્તિજનક સ્થિતિમાં ફોટા પાડ્યા હતા અને વીડિયો ઉતાર્યા હતા.
બાદમાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વહેતા કરવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માગણી તેમણે માગણી કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીએ યુવકની 1.2 લાખ રૂપિયાની સોનાની વીંટી લૂંટી લીધી હતી અને તેને ધમકાવ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા, એમ ભાગ્યનગર પોલીસે કહ્યું હતું.
યુવકે ત્યાર બાદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને તમામ હકીકત જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી અને ગણતરીના કલાકો બાદ આરોપીઓને પકડી પાડ્યાં હતાં. આરોપીઓ પાસેથી સ્કૂટર, રિક્ષા ઉપરાંત ચાર મોબાઇલ જપ્ત કરાયા હતા, જેનો ઉપયોગ તેમણે ગુનો આચરવા માટે કર્યો હતો. એ સિવાય તેમણે યુવકની લૂંટેલી સોનાની વીંટી પણ જપ્ત કરાઇ હતી. આરોપીઓ આવા અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)