Tue Aug 18 2026

Logo

નાગપુરમાં સગીરાને બંધક બનાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડની ધરપકડ

2026-08-05 18:53:30
Author: Yogesh D. Patel
Article Image

પીડિતાના હાથ-પગ બંધાયેલા, શરીર પર ઇજાના અનેક નિશાન હતા: પોલીસ

નાગપુર: ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા થાણેના યુવકે 16 વર્ષની સગીરાને ભાડાના ઘરમાં બંધક બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હિચકારી ઘટના નાગપુરમાં સામે આવી હતી. પોલીસ ટીમ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશી ત્યારે સગીરાના હાથ-પગ બંધાયેલા હતા અને તેના શરીર પર ઇજાના અનેક નિશાન હતા. હુડકેશ્ર્વર પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને નિર્ભય પાખરે નામના યુવકની ધરપકડ કરી હતી.

નાગપુરમાં રહેતી પીડિતા 2 ઑગસ્ટે ગુમ થઇ હતી. પરિવારજનોએ શોધ ચલાવ્યા છતાં તેનો કોઇ પત્તો ન લાગતાં આખરે હુડકેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ પીડિતાનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને બાદમાં તેનો છુટકારો કરાવવામાં આવ્યો હતો.

પીડિતાને જે વિસ્તારમાં ભાડાના જે ઘરમાં બંધક બનાવવામાં આવી હતી, ત્યાં પોલીસ પહોંચી હતી. પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી ત્યારે પીડિતા બેડ પર પડેલી હતી અને તેના હાથ-પગ બાંધેલા હતા. આરોપી નજીકમાં ઊભો હતો અને તેના હાથમાં પટ્ટો હતો, જ્યારે બેડ નજીકથી ચાકુ મળી આવ્યું હતું.

પીડિતાના શરીર પર ઇજાના અનેક નિશાન હતા. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને પીડિતાને બાદમાં બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. 

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નિર્ભયે ગયા વર્ષે ફૅક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું અને પોતાની ઓળખ આકાશ મેહરા તરીકે આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પીડિતા સાથે મિત્રતા કરી હતી અને બંને બાદમાં ચેટિંગ કરવા લાગ્યાં હતાં. પીડિતાએ પોતાના અંગત ફોટા આરોપીને શૅર કર્યા હતા.

આરોપી બાદમાં પીડિતાના અંગત ફોટા ઓનલાઇન સર્ક્યુલેટ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. આથી ગભરાઇને પીડિતા તેને મળવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પીડિતા સાથે હોટેલમાં દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં આરોપી જ્યારે પણ નાગપુર આવતો હતો ત્યારે તેને દિઘોરી ખાતે ભાડાના ઘરમાં બોલાવતો હતો. 

આરોપી નિર્ભય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. તપાસના ભાગરૂપે પોલીસ આરોપીનો મોબાઇલ તેમ જ સોશિયલ મીડિયા અકાઉન્ટ તપાસી રહી છે. (પીટીઆઇ)