Thu Jul 23 2026

Logo

મુન્દ્રા પોલીસનું બિહારમાં 'ઓપરેશન બિહારી બાબુ': સ્થાનિક વેશ ધારણ કરી હત્યારાને દબોચ્યો

2026-07-09 09:45:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના મુન્દ્રા પંથકમાં  એક અઠવાડિયા અગાઉ થયેલી એક યુવકની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં સ્થાનિક  પોલીસને મોટી સફળતા મળી હતી. ગુનો આચરીને વતન બિહાર નાસી ગયેલા હત્યારાને પકડવા માટે મુન્દ્રા પોલીસની ટુકડીએ બિહારના સ્થાનિક ગ્રામજનો જેવો જ વેશ ધારણ કરીને એક અત્યંત ગોપનીય ઓપરેશન પાર પાડ્યું હતું અને આરોપીને ઝડપી પાડી કચ્છ લઈ આવી હતી.

મળતી વિગતો મુજબ, બિહારના સારણ જિલ્લાનો વતની અખિલેશકુમાર ફૂલેના રાય (યાદવ) છેલ્લા પાંચ વર્ષથી મુન્દ્રા  શહેરના રાસાપીર સર્કલ પાસે ભત્રીજા રવિકુમાર સાથે રહીને ટ્રાન્સપોર્ટ પેઢીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. 1 જુલાઈના રોજ અખિલેશકુમાર ગુમ થયો હતો. તે જ દિવસે તેના પરિચિત મિથિલેશકુમારને અન્ય એક ડ્રાઈવર તર્કેશ્વર યાદવે મોબાઈલમાં અખિલેશનો લોહીલુહાણ ચહેરાવાળો ફોટો બતાવીને કહ્યું હતું કે, "અખિલેશ મર ગયા". મિથિલેશે જ્યારે પૂછ્યું કે તેને કોણે માર્યો, ત્યારે તર્કેશ્વર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 

બાદમાં ફોન પર વાત કરતાં તેણે આ ફોટો ફેસબુક પરથી લીધાનું બહાનું બતાવ્યું હતું. આ શંકાસ્પદ હિલચાલને પગલે પરિચિતોએ શોધખોળ કરતાં બીજા દિવસે ટી-પોઈન્ટ સર્કલ નજીક બાવળની ઝાડીઓમાંથી અખિલેશનો  મૃતદેહ મળી આવ્યો હતો. ભત્રીજા રવિકુમારની ફરિયાદના આધારે મુંદરા પોલીસે મુખ્ય શકમંદ તર્કેશ્વર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

હત્યાની ઘટનાને અંજામ આપીને આરોપી તર્કેશ્વર બિહાર નાસી ગયો હોવાનું ટેકનિકલ લોકેશનમાં સ્પષ્ટ થયું હતું. મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જે. ઠાકોર, હેડ કોન્સ્ટેબલ દર્શન રઘુભાઈ, મહિપાલસિંહ અને પૃથ્વીરાજસિંહની ટુકડી તાકીદે બિહાર રવાના થઈ હતી. પોલીસથી બચવા માટે આરોપી સતત પોતાના આશ્રયસ્થાનો બદલી રહ્યો હતો, પરંતુ આખરે તે ડુમરીયા ગામમાં હોવાનું ટ્રેક થયું હતું.

સ્થાનિક સ્તરે પોલીસ હોવાની ગંધ ન આવે તે માટે મુન્દ્રા પોલીસે બિહારના ગ્રામીણો જેવો જ પહેરવેશ ધારણ કર્યો હતો. સ્થાનિકોની મદદ મેળવીને બિહાર પાસિંગની નંબર પ્લેટવાળા ખાનગી વાહનો દ્વારા ડુમરીયા ગામ નજીક વેશ પલટો કરીને વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન, આરોપી તર્કેશ્વર શિવનારાયણ રાય જેવો જ મોટરસાઇકલ  લઈને ગામની કેનાલ પાસેથી પસાર થયો, કે તુરંત જ ફિલ્મી ઢબે પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને ઝડપી લીધો હતો.

મુન્દ્રા પોલીસે આરોપી તર્કેશ્વરની વિધિવત ધરપકડ કરીને અદાલતમાંથી રિમાન્ડ મેળવ્યા છે. પીઆઈ રાણાએ જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી બંને એક જ વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી અને વતનમાં આજુબાજુના હોવાથી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. અખિલેશના ચહેરા પર લાકડાના ફટકા મારીને તેની કરપીણ હત્યા કરાઈ હતી. જોકે, આરોપી રીઢો ગુનેગાર હોવાથી અત્યારે પૂછપરછમાં મચક આપતો નથી, જેના કારણે હત્યા પાછળનો અસલી હેતુ શું હતો તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ હાલ રિમાન્ડ દરમિયાન તેની કડક પૂછપરછ કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)