Thu Jul 23 2026

Logo

મુંદ્રાથી મુંબઈ માત્ર મિનિટોમાં પહોંચી શકાશે, મળશે સીધી એર-કનેક્ટિવિટી

2026-02-20 14:08:00
Author: Mumbai Samachar Team
Article Image

 

ભુજઃ કચ્છ ઉપરાંત દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહેલા બંદરીય મુંદ્રાને આગામી ટૂંક સમયમાં એર કનેક્ટિવિટી પ્રાપ્ત થાય તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભુજ અને કંડલા બાદ હવે મુંદ્રા મથકને સ્ટાર એર નામની ખાનગી એરલાઈન્સ કંપની દ્વારા ટૂંક સમયમાં મુંબઈ,દિલ્હી સહિતના પાંચ મહત્વના શહેરને જોડતી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. 

ભુજ કે ગાંધીધામ એરપોર્ટ નહીં ખાવો પડે ધક્કો

સ્ટાર એર દ્વારા સત્તાવાર રીતે તેના સોશિયલ હેન્ડલ 'એક્સ' પર જણાવાયું હતું કે, કચ્છ જિલ્લાના મુંદ્રાથી દિલ્હી, અમદાવાદ, ગોવા,  મુંબઈ અને સુરતની હવાઈ સેવાઓ તુરતમાં શરૂ થઈ રહી છે. મુંદ્રાના આધુનિક એરપોર્ટ પરથી અત્યારે ખાનગી રીતે એર ટેક્સીના ચાર સીટર ધરાવતા વિમાનની અમદાવાદ સાથે જોડતી મર્યાદિત સેવા ઉપલબ્ધ છે ત્યારે હવે વિધિવત રીતે કચ્છના પેરિસ તરીકે ઓળખાતું મુંદ્રા નગર હવાઈ સેવાઓથી જોડાઈ જશે. જેથી મુંદ્રા નગર તેમજ તાલુકા અને આસપાસના નાગરિકો,કોર્પોરેટ અધિકારીઓને ભુજ કે ગાંધીધામ એરપોર્ટ સુધી ધક્કો ખાવો નહીં પડે. 

ક્યારથી શરૂ થશે  

સંભવત આગામી તા. ૨ એપ્રિલથી આ વિમાની સેવા શરૂ કરવામાં આવશે. જેના માટે સુરક્ષિત કહેવાતું એમ્બ્રેર-ઈ.૧૭૫ એરક્રાફ્ટ ઉડાન ભરશે. ૭૬ સીટના આ એરક્રાફ્ટમાં ૧૨ બિઝનેસ ક્લાસની સુવિધાઓ સભર સીટ હશે, તમામ વન બાય ટુની બેઠક વ્યવસ્થા હશે અને ૬૪ ઈકોનોમી સીટમાં ૨ બાય ૨ની બેઠક વ્યવસ્થા હશે. સ્ટાર એરલાઈન્સ દ્વારા આગામી સપ્તાહે બુકિંગ શરૂ કરવામાં આવશે. 
 
હાલ ભુજ એરપોર્ટથી દિલ્હી, મુંબઈની વિમાની સેવા ચાલુ છે તેમજ સ્ટાર એરલાઈન્સની જ ભુજથી સુરતની ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ ઉડાન ભરે છે. કંડલાથી મુંબઈની એક વિમાની સેવા કાર્યરત છે. હવે મુંદરાથી વિમાની સેવા શરૂ કરવામાં આવતાં કચ્છની વિમાની સેવાની ખૂટતી કડી પૂરી થશે. 

ઉલ્લેખનીય છે કે, માટીના અદભુત માટલા માટે પ્રખ્યાત મુંદ્રાના તુણા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલ ડીપી વર્લ્ડ આકાર પામી રહ્યું છે તેમજ કંડલા પોર્ટ દ્વારા ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાનીદિશામાં અનેક મોટી કંપનીઓ દ્વારા પણ રોકાણ કરવામાં આવી રહ્યું છે. મુંદ્રા અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો ઓદ્યોગિક એક્મો ધમધમી રહ્યાં છે ત્યારે આ નવી વિમાની સેવાથી ઔદ્યોગિક જગતને  સુવિધા પ્રદાન થશે તેવી આશા પ્રબળ બની છે. 

(ઉત્સવ વૈદ્ય)