Sat May 02 2026

Logo

દક્ષિણ મુંબઈમાં આંગડિયાને નામે ફ્રોડની નવી તરકીબ

2026-03-23 09:06:00
Author: Yogesh C Patel
Article Image

45 લાખની સોનાની બંગડીઓ લઈને
નકલી સોનાની બિસ્કિટ્સ પધરાવી

યોગેશ સી પટેલ

મુંબઈ: સોનાના દાગીના બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ઝવેરીઓએ ખાસ સાવધાન રહેવાની જરૂર હોય એવી ઘટના દક્ષિણ મુંબઈમાં બની હતી. આંગડિયાને નામે છેતરપિંડી કરવાની નવી તરકીબ અજમાવી ઝવેરીની કંપનીના મૅનેજરને 45 લાખ રૂપિયાની સોનાની બંગડીઓના બદલામાં નકલી સોનાની બિસ્કિટ્સ પકડાવવામાં આવી હતી. આ પ્રકરણે પાયધુની પોલીસે બે શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

લોઅર પરેલના સન મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલી કંપનીના મૅનેજર પ્રશાંત તાવડે (55)એ આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની કંપની દ્વારા ઑર્ડર પ્રમાણે સોનાના દાગીના બનાવવામાં આવે છે. એ સિવાય તૈયાર દાગીના ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી અને દાગીનાના બદલામાં આર્થિક વ્યવહાર પર દેખરેખ રાખવાની જવાબદારી ફરિયાદીની હતી. અન્ય કંપનીઓ, વેપારીઓ અને ગ્રાહકો સાથે સંપર્ક વધારવા ફરિયાદીની કંપની જ્વેલરી એક્ઝિબિશનમાં પણ ભાગ લેતી હોય છે.

ફરિયાદમાં જણાવાયું હતું કે બુધવારે મનીષ જૈન નામના શખસે કૉલ કરી ફરિયાદીને સોનાની બંગડીઓની ડિઝાઈન અંગે પૂછ્યું હતું. પોતાની કંપની હૈદરાબાદમાં હોવાનું કહીને જૈને વિઝિટિંગ કાર્ડ પણ વૉટ્સઍપથી મોકલાવ્યું હતું. ફરિયાદીએ તૈયાર બંગડીની 20 ડિઝાઈન મોકલાવી હતી, જેમાંથી જૈને સાત ડિઝાઈન પસંદ કરીને 14 બંગડી તૈયાર કરી આપવાની વાત કરી હતી. આના બદલામાં 300 ગ્રામ સોનું તે આંગડિયાથી મોકલાવશે, એવું જૈને કહ્યું હતું.

જૈન હૈદરાબાદનો વેપારી હોવાથી કંપનીના માલિકની પરવાનગીથી ફરિયાદી આંગડિયાથી લેવડદેવડ માટે સહમત થયો હતો. બીજે દિવસે, ગુરુવારે આંગડિયાથી 100-100 ગ્રામની ત્રણ સોનાની બિસ્કિટ મોકલાવી હોવાથી એ જ આંગડિયાથી સોનાની 14 બંગડી મોકલાવી દેવાનું જૈને ફોન પર કહ્યું હતું. જૈને આંગડિયા કંપનીનું મસ્જિદ બંદરનું સરનામું પણ ફરિયાદીને મોકલાવ્યું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે કલાક પછી આંગડિયા કંપનીમાંથી યુવાને ફોન કરીને ફરિયાદીને મસ્જિદ બંદર આવીને સોનું લઈ જવાનું કહ્યું હતું. સાથી કર્મચારી સાથે મસ્જિદ બંદરની એક હોટેલ નજીક પહોંચી ફરિયાદીએ યુવાનને કૉલ કર્યો હતો. બે મિનિટમાં આવી પહોંચેલા યુવાને સોનાની બિસ્કિટ ફરિયાદીને આપી હતી. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સમસ્યા ઊભી કરવામાં આવી હોવાથી આંગડિયાની ઑફિસ બંધ રાખવામાં આવી હોવાનું યુવાને કહ્યું હતું.

વિશ્ર્વાસ રાખી ફરિયાદીએ સોનાની 14 બંગડીવાળો ડબ્બો આંગડિયાના કર્મચારીને સોંપ્યો હતો અને બદલામાં સોનાની ત્રણ બિસ્કિટ લીધી હતી. કંપની માલિકની સૂચનાથી ફરિયાદીએ ઝવેરીબજારમાં બિસ્કિટની તપાસ કરતાં તે સોનાની નહીં, પણ કૉપર અને ઝિંકની હોવાનું માલૂમ પડ્યું હતું. ફરિયાદીએ તાત્કાલિક મસ્જિદ બંદરની હોટેલ નજીક પહોંચી આંગડિયાની ઑફિસની શોધ કરી હતી. જોકે આંગડિયાનું સરનામું ખોટું હોવાની ખાતરી થતાં પોતે છેતરાયાની જાણ ફરિયાદીને થઈ હતી. આ પ્રકરણે પોલીસનો સંપર્ક સાધતાં પાયધુની પોલીસે શુક્રવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.