(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં આજે બન્ને ગે્રડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા સાધારણ નબળી આવતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે ખાસ કરીને મિડિયમ ગે્રડની ખાંડમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નબળી રહેતાં ભાવ ક્વિન્ટલે રૂ. 10 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે એકંદરે રિટેલ સ્તરની લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે બન્ને ગે્રડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી હોવાથી હાજર ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારનો ગુણવત્તાલક્ષી ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા સાથે રૂ. 3856થી 3920માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં ઉપલા અને નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા સાથે રૂ. 3952થી 4032માં વેપાર થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની સ્મોલ ગે્રડની ખાંડમાં માગ જળવાઈ રહેતાં વેપાર ક્વિન્ટલે રૂ. 3780થી 3810માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં મર્યાદિત માગે વેપાર ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3850થી 3910માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.