(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાને ગરમીમાં બે-ત્રણ દિવસ રાહત મળ્યા બાદ રવિવારે ફરી એક વખત ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. રવિવારે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી જેટલું ઊંચુ નોંધાયું હતું. હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે સોમવાર અને મંગળવાર બે દિવસ માટે યલો અલર્ટની ચેતવણી આપી છે, જે અંતર્ગત ભારે ગરમી પડવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સિસ્ટમને કારણે માર્ચના પહેલા પખવાડિયામાં મુંબઈ અને થાણેમાં ત્રણ વખત ગરમીનું મોજું ફરી વળ્યું હતું અને મુંબઈના અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. એ બાદ ગયા અઠવાડિયામાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીથી હળવી રાહત મળી હતી.
ગયા અઠવાડિયામાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં તોફાની પવનો,વાવાઝોડા અને કરા પડવાને કારણે મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓમાં ગરમીના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસનું તાપમાન ૩૦થી ૩૧ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર ઓછી થવાની સાથે જ હવે ફરી એક વખત આકરી ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેની અસર રવિવારે મુંબઈમાં જણાઈ હતી.
દિવસ દરમ્યાન ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. દિવસના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી નોંધાયું હતું. હજી એક દિવસ પહેલા જ એટલે કે શનિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૯ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રવિવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું અને શનિવારે મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨.૪ ડિગ્રી નોંધાયું હતું.
આ દરમ્યાન સોમવાર, ૨૩ માર્ચ અને ૨૪ માર્ચ, મંગળવારના આ બે દિવસ ફરી મુંબઈ તેમ જ કોંકણ રિજનમાં થાણે, રત્નાગિરી, રાયગઢ જિલ્લામાં ગરમ અને ભેજવાળા વાતાવરણની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે બે દિવસ આ વિસ્તારો માટે યલો અલર્ટની ચેતવણી આપી છે અને તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે તાપમાનમાં વધારા માટે દરિયા પરથી ફૂંકાતા પવનો અને પશ્ર્ચિમી પવનોને જવાબદાર ગણાવ્યા છે.
મુંબઈ, થાણે વિસ્તારમાં માર્ચ મહિનામાં અત્યાર સુધી ત્રણ વખત ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેમાં પહેલી હિટવેવ ૪ અને ૫ માર્ચ દરમ્યાન ત્યારબાદ ૯ અને ૧૦ માર્ચ દરમ્યાન તીવ્ર હિટવેવ અને ૧૩ માર્ચે ત્રીજી વખત ગરમીનું મોજું ફરી વળ્યું હતું. મુંબઈમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીનો ગરમીનો રેકોર્ડ ૧૯૫૬માં ૪૧.૭ ડિગ્રીનો રહ્યો છે.
ગરમી ઊંચી પણ હિટ વેવ નહી
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધવાની શક્યતા વચ્ચે યલો અલર્ટ આપ્યું છે પણ હિટ વેવની કોઈ ચેતવણી આપી નથી. સામાન્ય રીતે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અથવા સામાન્ય કરતા પ.૫થી ૬.૪ ડિગ્રી ઉપર હોય અને સતત બે દિવસ ઊંચું તાપમાન નોંધાય તો ત્યારબાદ જ હિટ વેવની ચેતવણી આપવામાં આવતી હોય છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની ચેતવણી
ગયા અઠવાડિયામાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠા પડ્યા હતા, જેને કારણે રવી પાકમાં જુવાર,ઘઉં સહિત કેરી, મકાઈ, દ્રાક્ષ અને કાંદા સહિતના અનેક પાકને નુકસાન થયું હતું. હવે ફરી એક વખત સોમવાર અને મંગળવારે રાજ્યમાં કમોસમી વરસાદની ચેતવણી આપી છે, જેમાં પરભણી, બીડ, ધારાશિવ, લાતુર, પુણે, સાંગલી, કોલ્હાપુર, સાતારા, નાંદેડ, હિંગોલી, ગોંદિયા, યવતમાળ, ચંદ્રપુરમાં વરસાદ પડવાની શકયતા છે.