Wed Jul 29 2026

Logo

સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીમાંથી કર્મચારીએ જ રોકડ ચોર્યાની ફરિયાદ...

2026-03-22 19:36:00
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: મુંબઈના પ્રસિદ્ધ આસ્થાસ્થાન સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીમાંથી કર્મચારીએ જ રોકડ ચોરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સીસીટીવી ફૂટેજમાં કર્મચારી દાનપેટીની રોકડ સેરવી લેતો હોવાનું નજરે પડ્યા પછી આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી.

આ પ્રકરણે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર દ્વારા કરાયેલી ફરિયાદને આધારે દાદર પોલીસે મંદિરના જ કર્મચારી રાજેન્દ્ર રામચંદ્ર પેંડુરકર (57) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. લોઅર પરેલમાં રહેતા પેંડુરકરને પોલીસે તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર શુક્રવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં પેંડુરકર દાનપેટીની રકમ પોતાના ખીસામાં મૂકતો નજરે પડ્યો હતો. પૂજારીની રૂમમાં આરતીની દાનપેટીની રકમ મૂકવામાં આવી હતી, જે કર્મચારી પેંડુરકરે ચોરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

કહેવાય છે કે રોકડ ચોરીની જાણ ફરિયાદીએ મંદિરના ઉપરી પદાધિકારીઓને આપી હતી. શંકાને પગલે પાછલા 10 દિવસનાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. પેંડુરકરે આ દિવસો દરમિયાન 10 હજાર રૂપિયા સેરવી લીધાનો આક્ષેપ કરાયો છે. આમાં મંદિરના અન્ય કર્મચારીઓની પણ સંડોવણી નકારી શકાતી નથી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.