મુંબઈ: મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનમાં હવે ટીસી સાથે ટિકિટને લઈને થતી બોલાચાલી અને ઝઘડા કેમેરામાં કેદ થશે. ટિકિટ વગર મુસાફરી કરનારા મુસાફરો અને ટિકિટ ચેકર વચ્ચે વધતી તકરારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને ટિકિટ ચેકિંગ વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો નિર્ણય લીધો છે. પાયલટ પ્રોજેક્ટ હેઠળ ટીસીને બોડી-વોર્ન કેમેરા અને ખાસ ડિઝાઇન કરેલી જેકેટ આપવામાં આવશે. શરૂઆતમાં 15 બોડી કેમેરા અને 30 જેકેટનો ઉપયોગ થશે.
બોડી કેમેરા ટીસીની જેકેટના આગળના ભાગમાં લગાવવામાં આવશે. ટિકિટ ચેકિંગ દરમિયાન મુસાફર અને ટીસી વચ્ચે થતી વાતચીત તથા સામે બનતી ઘટનાનું રેકોર્ડિંગ થશે. કેમેરામાં મેમરી કાર્ડ આધારિત રેકોર્ડિંગ સિસ્ટમ અને માઇક્રોફોન હશે, જેથી વાતચીત અને ઘટનાનો ઓડિયો-વિડિયો રેકોર્ડ રહી શકે. કોઈ વિવાદ થાય તો કોણે શું કહ્યું અને ઘટના કેવી રીતે બની તેની તપાસ માટે આ રેકોર્ડિંગ ઉપયોગી બની શકે છે.
પશ્ચિમ રેલવેની આ પહેલનો હેતુ માત્ર બિનટિકિટ મુસાફરો સામે કાર્યવાહી કરવાનો નથી, પરંતુ ટીસી અને મુસાફરો બંને માટે ટિકિટ ચેકિંગ પ્રક્રિયાને વધુ જવાબદાર અને પારદર્શક બનાવવાનો છે. છેલ્લા કેટલાક સમયથી ટીસી અને મુસાફરો વચ્ચે બોલાચાલી, ઝઘડા અને મારામારીના કિસ્સા સામે આવ્યા છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. હવે આવી ઘટનાઓનો અધિકૃત રેકોર્ડ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને એસી લોકલ ટ્રેનોમાં આ પાયલટ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ટીસી ને બોડી કેમેરા સાથે ખાસ જેકેટ પણ આપવામાં આવશે. તેમાં એચએચટી, ઈએફટી મશીન, આઈડી કાર્ડ, નેમ બેજ અને અન્ય જરૂરી ટિકિટ ચેકિંગ સાધનો રાખવા માટે અલગ-અલગ ખિસ્સા અને કમ્પાર્ટમેન્ટ હશે. ઝડપી સુકાઈ જાય તેવા માઇક્રોફાઇબર કપડાથી તૈયાર થતી આ જેકેટથી ટીસીની ઓળખ પણ સ્પષ્ટ થશે અને ફરજ દરમિયાન જરૂરી સાધનો સાથે રાખવામાં સરળતા રહેશે.
આ પહેલ પશ્ચિમ રેલવેના ‘નમસ્તે અભિયાન’ હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. રેકોર્ડ થયેલા વીડિયો અને ડેટાની સમયાંતરે તપાસ કરવામાં આવશે, જેથી વિવાદની સ્થિતિમાં ઘટનાની સાચી હકીકત સામે આવી શકે.
પશ્ચિમ રેલવેને આશા છે કે બોડી કેમેરાથી ટીસીની સુરક્ષા વધશે અને ટિકિટ ચેકિંગ દરમિયાન થતા ઝઘડાઓ પર નિયંત્રણ આવશે. એટલે હવે લોકલમાં ટીસી સાથે ઝઘડો કરતા પહેલા સાવધાન રહેવું પડશે—ઘટનાની વાતચીત અને સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં રેકોર્ડ થઈ શકે છે.