Wed Apr 29 2026

Logo

વાનખેડેમાં મુંબઈ આજે આબરૂ બચાવશે કે હૈદરાબાદનો વિજયરથ આગળ વધશે?

2026-04-29 17:00:41
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ લગભગ દરેક સીઝનમાં સિલસિલાબંધ મૅચો હારતી હોય છે અને પછી પ્લે-ઑફમાં પહોંચીને ટાઇટલ માટેની દાવેદાર પણ બની જતી હોય છે. આજની વાનખેડેની મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) પહેલાં પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ છેક નવમા નંબરે અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ચોથા સ્થાને છે અને આજે સ્ટાર ખેલાડીઓવાળી આ બન્ને ટીમ વચ્ચે ટક્કર છે. વાનખેડેમાં હૈદરાબાદ સામે મુંબઈનો રેકૉર્ડ ઘણો સારો છે, પણ છેલ્લી પાંચ મૅચમાં હૈદરાબાદ અને મુંબઈએ જે રીતે પર્ફોર્મ કર્યું છે એ જોતાં કહી શકાય કે `ઇતિહાસ મુંબઈની તરફેણમાં છે, પરંતુ ફૉર્મ હૈદરાબાદની ફેવરમાં છે.' પ્લે-ઑફમાં પહોંચવા મુંબઈએ આજથી માંડીને લગભગ બાકીની દરેક લીગ મૅચ જીતવી પડશે. એ માટે સૂર્યકુમાર યાદવ સહિતના સ્ટાર બૅટ્સમેનોએ પાછા ફૉર્મમાં આવવું જ પડશે.

મુંબઈ-હૈદરાબાદ હેડ-ટુ-હેડ

એકંદરે બન્ને ટીમ વચ્ચે આઇપીએલના ઇતિહાસમાં કુલ પચીસ મુકાબલા થયા છે જેમાંથી 15 મુંબઈએ અને 10 હૈદરાબાદે જીત્યા છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લા જે છ મુકાબલા થયા છે એમાંથી માત્ર એકમાં હૈદરાબાદનો અને પાંચમાં મુંબઈનો વિજય થયો છે. વાનખેડેમાં મુંબઈ-હૈદરાબાદ વચ્ચે કુલ નવ મૅચ રમાઈ છે જેમાંથી સાત મુંબઈએ અને માત્ર બે હૈદરાબાદે જીતી છે. બન્નેના અમુક ખેલાડીઓ પર નજર કરીએ તો રોહિત શર્મા (જો ફુલ્લી ફિટ થઈને આજે રમશે તો) હૈદરાબાદના સુકાની પૅટ કમિન્સ સાથેની તેની ટક્કર જોવા જેવી થઈ જશે. 12 મૅચમાં રોહિતે તેની સામે 151.00ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા છે, પરંતુ કમિન્સે પાંચ વખત તેની વિકેટ લીધી છે. બુમરાહ પાંચ મૅચમાં બે વખત અભિષેકને આઉટ કરી ચૂક્યો છે, જ્યારે ઇશાન કિશન અને હિન્રિક ક્લાસેન આ વખતે હજી સુધી સ્પિનરની બોલિંગમાં આઉટ નથી થયા. જોકે આજે મુંબઈ વતી કેશવ મહારાજ રમશે તો કિશન-ક્લાસેનનું ક્રીઝમાં ટકવું ભારે પડી શકે.

મુંબઈએ સૌથી વધુ 20 પ્લેયર રમાડ્યા

આ વખતે 10 ટીમમાંથી સૌથી વધુ ખેલાડી મુંબઈ ઇન્ડિયન્સે (MI) રમાડ્યા છે. મુંબઈ વતી આ વખતે કુલ 20 ખેલાડી રમી ચૂક્યા છે. જોકે અમુક ખેલાડી ઈજાને લીધે કેટલીક મૅચ નથી રમ્યા એ પણ મહત્ત્વનું કારણ છે.

બેંગ્લૂરુની બરાબરીમાં આવશે હૈદરાબાદ?

મુંબઈ છેલ્લી પાંચમાંથી ચાર મૅચ હારી છે, જ્યારે હૈદરાબાદ છેલ્લી ચારેય મૅચ જીતીને વાનખેડેમાં રમવા મુંબઈ આવી છે. વાનખેડેમાં મુંબઈ (Mumbai) સામે હૈદરાબાદ (Hyderabad)નો રેકૉર્ડ જરાય સારો નથી, પણ પાછલી ચાર મૅચ જીતવા બદલ હૈદરાબાદના ખેલાડીઓનો જુસ્સો બુલંદ છે અને તેઓ આ મૅચ જીતીને 12 પૉઇન્ટ સાથે બેંગ્લૂરુની બરાબરીમાં આવી જશે.

પિચ વિશે થોડું જાણીએ...

વાનખેડે (Wankhede)ની પિચ પરંપરાગત રીતે બૅટિંગ-ફ્રેન્ડલી રહી છે. આજે આઠ નંબરની પિચ પર મૅચ રમાશે. આ એ જ પિચ છે જેના પર તાજેતરમાં બેંગ્લૂરુના 240 રનના જવાબમાં મુંબઈ 5/222ના સ્કોરને કારણે 18 રનથી હારી ગયું હતું. લાલ માટીવાળી આ પિચ પર એ દિવસે (12મી એપ્રિલે) કુલ 462 રન બન્યા હતા. બૅટિંગ પિચ પર ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરવાનો અહીં ટ્રેન્ડ છે. જોકે રસપ્રદ બાબત એ છે કે અહીં છેલ્લી 10 મૅચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમોમાંથી છ ટીમે વિજય મેળવ્યો છે. મૅચની શરૂઆતમાં પેસ બોલરને સારા સ્વિંગ અને સીમ મૂવમેન્ટ મળશે. જોકે પિચ જલદી સપાટ થઈ જશે એટલે બૅટ્સમેનોને જલસા થઈ જશે. બન્ને ટીમે પાવરપ્લેની શરૂઆતની છ ઓવરમાં અને ડેથ ઓવર્સમાં આક્રમક વલણ અપનાવીને બૅટિંગ કરવી પડશે.

બન્નેની સંભવિત ટીમ

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા/ડેનિશ માલેવર, ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શેરફેન રુધરફર્ડ, વિલ જૅક્સ/કેશવ મહારાજ, ક્રિશ ભગત, અશ્વની કુમાર, જસપ્રીત બુમરાહ અને (12મો પ્લેયર) અલ્લાહ ગઝનફર.

હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), હિન્રિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, અનિકેત વર્મા, શિવાંગ કુમાર, એશાન મલિન્ગા, પ્રફુલ્લ હિન્ગે/હર્ષ દુબે અને (12મો પ્લેયર) સાકિબ હુસૈન.