Thu Jun 11 2026

Logo

જીનની મદદથી સમસ્યાનું સમાધાન: યુવતીએ 15.93 લાખ રૂપિયા ગુમાવ્યા

2026-03-20 18:50:20
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અલૌકિક શક્તિ અને જીનના માલિક હોવાની ડંફાસ હાંકીને સમસ્યાનું સમાધાન કરી આપવાને બહાને સાયનમાં રહેતી યુવતી પાસેથી 15.93 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વળી, આ રકમ એકસાથે નહીં, પણ આરોપીએ ટુકડે ટુકડે લગભગ અઢી વર્ષ દરમિયાન પડાવી હતી.

સાયનના પ્રતીક્ષા નગર વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે સેન્ટ્રલ રિજન સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર 2023માં ઈન્સ્ટાગ્રામ પર યુવતીએ એક પોસ્ટ જોઈ હતી, જેમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન જીનના માધ્યમથી કરી આપવાની વાતનો ઉલ્લેખ હતો. પોસ્ટમાંના દાવાથી અંજાઈને યુવતીએ તેના પર આપેલી લિંક પર ક્લિક કર્યું હતું.

લિંક પર ક્લિક કરતાં જ વૉટ્સઍપ એકાઉન્ટ ખૂલ્યું હતું, જેના થકી યુવતી વાહિદ અને સાહિલ નામના આરોપીઓના સંપર્કમાં આવી હતી. વૉટ્સઍપ ચૅટિંગથી આરોપીએ યુવતીને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હોવાનું કહ્યું હતું. નામ, પૈસા, પ્રેમ અને સફળતા હાંસલ કરી શકે છે, પણ તે માટે એક નાનો વિધિ કરવો પડશે, એવું આરોપીએ કહ્યું હતું.

આરોપીએ પોતાની પાસે અલૌકિક શક્તિ અને જીન હોવાનો દાવો કર્યો હતો. યુવતીનો વિશ્ર્વાસ સંપાદન કર્યા પછી વિધિ માટે અમુક રૂપિયા ચૂકવવા પડશે અને આ વિધિ જીનની મદદથી કરવામાં આવશે, એવું આરોપીએ કહ્યું હતું. એક વાર વિધિ પતે એટલે જીવનમાં કોઈ સમસ્યા નહીં નડે, એવો દાવો પણ તેણે કર્યો હતો.

આરોપીની વાતોમાં ભોળવાઈને યુવતીએ સૌપ્રથમ પચીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ અપૂર્ણ વિધિ, નેગેટિવ એનર્જીનો નાશ જેવાં વિવિધ કારણો આપી યુવતીને નાણાં ટ્રાન્સફર કરવા મજબૂર કરાઈ હતી. આરોપીએ આપેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં યુવતીએ અઢી વર્ષ દરમિયાન 15.93 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જોકે આટલાં નાણાં આપ્યા છતાં પોતાના જીવનમાં કોઈ પરિવર્તન ન જણાતાં અને આરોપી દ્વારા કોઈને કોઈ કારણસર વારંવાર રૂપિયાની માગણી કરવામાં આવતાં યુવતીને પોતે છેતરાઈ હોવાની જાણ થઈ હતી. તેણે સાયબર હેલ્પલાઈન પર આ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી સંબંધિત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, મોબઈલ નંબર અને યુવતીએ નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તે બૅન્ક ખાતાંની તપાસ હાથ ધરી હતી.