Thu Jun 11 2026

Logo

મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ: ૧૫ દિવસમાં  પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થશે, ચાર પ્રવેશદ્વાર પર બનશે ક્લોક ટાવર

2026-03-25 22:39:15
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈના ચાર પ્રવેશદ્વાર પર ક્લોક ટાવર ઊભા કરવા તથા સુશોભીકરણ સહિત પરિસર અને  પર્યટન કેન્દ્રનો વિકાસ કરવાનો  પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકા અમલમાં મૂકવાની છે. આ પ્રોજેક્ટથી મુંબઈની આવકમાં વધારો થવાનો છે. તેથી  આ પ્રોજેક્ટને ઝડપથી અમલમાં મૂકવા માટે આગામી ૧૫ દિવસમાં ચારેય પ્રવેશદ્વાર માટેની ડિઝાઈન, લેઆઉટ સાથેનો ડ્રાફ્ટ ૧૫ દિવસમાં સબમીટ કરવાનો નિર્દેશ મુંબઈના મેયરે પાલિકા પ્રશાસનને આપ્યો છે.

મુંબઈના મેયર રીતુ તાવડેે મુંબઈના પ્રવેશદ્વાર ગણાતા દહિસર,વાશી, ઐરોલી અને મુલુંડ પાસે ક્લોક ટાવર અને વિશાળ પ્રવેશદ્વાર ઊભા કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. અગાઉ જ્યાં ચેકનાકા અને ટોલ પ્લાઝા છે તે જગ્યા પર આ ક્લોક ટાવર ઊભા કરવામાં આવવાના છે. આ ચારમાંથી ઐરોલી પ્રવેશદ્વારને પ્રાધાન્ય આપીને તેનું મોડેલ અન્ય ત્રણ પ્રોેજેક્ટમાં અમલમાં મૂકવા પણ તેમણે નિર્દેશ આપ્યો છે.

મુંબઈના દહિસર, વાશી, ઐરોલી અને મુલુંડમાં પ્રવેશદ્વાર ઊભો કરવા, સુશોભીકરણ સહિત પરિસર અને પર્યટન કેન્દ્રના વિકાસ બાબતે મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં બુધવારે એક બેઠક સંપન્ન થઈ હતી, એ સમયે તેમણે પ્રશાસને ૧૫ દિવસમાં પ્લાનનો ડ્રાફ્ટ સબમીટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મેયરે આ પ્રોજેક્ટ બાબતે કહ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં આ સ્થળોનું તેમણે ઈન્સ્પેકશન કર્યું હતું. એ બાદ પ્રશાસનને ૧૫ દિવસની અંદર ક્લોક ટાવર બનાવવા માટે એક પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવો જોઈએ એવું કહ્યું હતું. પ્રોજેક્ટ માટે કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) દ્વારા ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એકવાર ફાઈનલ પ્લાન સબમીટ થઈ જાય પણ ભંડોળનું વિતરણ કરવામાં આવશે.

મુંબઈના ચાર ઓક્ટ્રોય નાકાઓ પર અગાઉ શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનો પાસેથી ઓક્ટ્રોય રૂપમાં પાલિકા દ્વારા કર વસૂલ કરવામાં આવતો હતો. ૨૦૧૭માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પછી ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ નાકાની જગ્યાઓ ખાલી પડી રહી છે.

મુંબઈમાં અગાઉ પાંચ નાકા હતા, જેમાં મુલુંડમાં બે અને માનખુર્દ (વાશી), દહિસર અને ઐરીલીમાં એક-એક નાકા હતા, જેનો કુલ વિસ્તાર લગભગ ૪૩ એકર છે. આ જમીનનું મુદ્રીકરણ  (મોનેટાઈસ) કરવા માટે પાલિકા પ્રશાસને અગાઉ તેમને ટ્રાન્સર્પોટેશન અને કમર્શિયલ હબમાં રૂપાંતરિત કરવાની યોજના જાહેર કરી હતી.

મેયરે જણાવ્યું હતું કે જમીનના પાર્સલને નાગરિકો માટે કમર્શિયલ અને મનોરંજન ઝોન તેમ જ પ્રવાસીઓ માટે આરામ કરવાનો ઝોનમાં રૂપાંતરિત કરવામાં  આવશે. દરેક હબમાં શોપિંગ મોલ, બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્ઝિટ ઝોન, ફૂડ કોર્ટ, ઓડોટોરિયમ અને આર્ટ ગેલેરીનો સમાવેશ થાય છે. ટ્રાન્ઝિટ ઝોનમાં હોટલ, ખાવા-પીવાની દુકાન, ટિકિટ બુકિંગ સેન્ટર જેવી સુવિધા અને ખાનગી વાહનો, વોટરવે અને મેટ્રો માટે ટ્રાન્સફર સિસ્ટમનો સમાવેશ થાય છે.