આર્થિક ગુનાઓ અત્યંત જોખમી હોવાનું કોર્ટે નોંધ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થિક ગુના દેશની આર્થિક હાલત માટે અત્યંત જોખમી હોવાનું નોંધીને મુંબઈની વિશેષ અદાલતે 117 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં પુણેના બિઝનેસમૅન અમિત થેપાડેને જામીન નકાર્યા હતા.પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ નોંધવામાં આવેલાં નિવેદનો આરોપી વિરુદ્ધ ‘મજબૂત કેસ’ ઊભો કરે છે, એવું કોર્ટે જણાવ્યું હતું.
મની લોન્ડરિંગના કેસમાં સાત મહિના અગાઉ ધરપકડ કરાયેલા આરોપી થેપાડે વિરુદ્ધ પૂરતી સામગ્રી હોવાનું જણાવીને સ્પેશિયલ પીએમએલએ કોર્ટના જજ આર. બી. રોટેએ બિઝનેસમૅનની જામીન અરજી નકારી કાઢી હતી.
આર્થિક ગુના દેશની આર્થિક સ્થિતિ માટે અત્યંત જોખમી હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું.ગૅલેક્સી ક્ધસ્ટ્રક્શન ઍન્ડ કોન્ટ્રાક્ટર્સ પ્રા. લિ. (જીસીસીએલ) અને મિત્સોમ એન્ટરપ્રાઈઝીસ પ્રા. લિ. (એમઈપીએલ)ના ડિરેક્ટર અને પ્રમોટર થેપાડેની 24 ઑગસ્ટ, 2025ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) ધરપકડ કરી હતી.સીબીઆઈ દ્વારા 2022માં થેપાડે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એવો આરોપ કરાયો હતો કે થેપાડે અને તેના સાથીઓએ પોતાની કંપનીઓ માટે પુણેની કૅનેરા બૅન્કમાંથી છેતરપિંડીના માધ્યમથી ધિરાણ સુવિધાઓ પ્રાપ્ત કરી હતી.
બચાવ પક્ષના વકીલ મિથિલેષ મિશ્રાએ દલીલ કરી હતી કે બિઝનેસમૅને લોન પ્રાપ્ત કરવા સ્થાવર મિલકતો ગિરવી મૂકી હતી અને રકમનો અમુક હિસ્સો પરત કર્યો હતો.
તેમણે દલીલ કરી હતી કે અરજદારને મંજૂર કરાયેલી લોન સંરક્ષિત હતી અને પુન:ચુકવણી સંબંધનો વિવાદ મુખ્યત્વે સિવિલ મામલો છે.ઈડી વતી સરકારી વકીલ અરવિંદ અઘાવે દલીલ કરી હતી કે આરોપીએ ગિરવી મૂકેલી મિલકતો ત્રીજી પાર્ટીને વેચી મારવામાં આવી હતી. તેમણે એ વાત પર પણ ધ્યાન દોર્યું હતું કે લોન એનપીએ (નૉન-પરફોર્મિંગ એસેટ)માં ફેરવાઈ અને બૅન્ક ગિરવી મૂકેલી મિલકતોનો કબજો લેવા માગતી હતી ત્યારે મિલકતમાંથી બે ફ્લૅટ કોઈ અન્યને વેચી મારવામાં આવ્યા છે, એવું બહાર આવ્યું હતું.
કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી નોંધ કરી હતી કે થેપાડેએ ક્રેડિટ ફેસિલિટીઝ સામે વ્યાજ પેટે 26 કરોડ રૂપિયા પરત કર્યા છે. જોકે અરજદારે વ્યાજ પેટે અમુક રકમ પરત કરી હોવાથી એનો અર્થ એવો નથી કે અરજદાર ફોજદારી જવાબદારીમાંથી છટકી જાય.આથી ગુનાની વ્યાપ્તિ અને ગંભીરતા, અરજદારની મુખ્ય ભૂમિકા અને સમાજનું હિત ધ્યાનમાં રાખતાં અરજદાર જામીન માટે પાત્ર નથી, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું. (પીટીઆઈ)