મુંબઈ/વસઈ: છેલ્લા બે દિવસથી વસઈ-વિરારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. આ વરસાદની સૌથી વધુ અસર વસઈ પૂર્વમાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર થઈ હતી, જ્યાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. હાઈવે પર ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે અને વાહનો બંધ પડવાને લીધે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વસઈ-વિરારમાં કુદરતી જળસ્ત્રોતો અને નાળા પુરાઈ જવાને કારણે તેમજ અધૂરી કામગીરીને લીધે બધું પાણી સીધું હાઈવે પર જમા થઈ રહ્યું છે. માલજીપાડા, સસુનવઘર, વર્સોવા, પેલ્હાર, વસઈ ફાટા અને ચિંચોટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાને કારણે મુંબઈ અને વસઈ-વિરાર તરફ જતો બંને બાજુનો વાહનવ્યવહાર ધીમો પડ્યો છે.
આજે સવારે મુંબઈ તરફ જતા ટ્રેક પર ચિંચોટીથી સાતીવલી ફાટા વચ્ચે ભારે ટ્રાફિક જામ થયો હતો. રસ્તા પરના પાણીનો અંદાજ ન આવવાને કારણે અને એન્જિનમાં પાણી ઘૂસી જવાથી અનેક વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. આના લીધે હાઈવે પર વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો લાગી ગઈ હતી.
હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરવા અને બંધ પડેલા વાહનોને ક્રેનની મદદથી બાજુ પર ખસેડવા માટે ટ્રાફિક પોલીસ અને હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને ધોધમાર વરસાદમાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બપોર પછી ટ્રાફિક ધીમે-ધીમે શરૂ કરાવવામાં પોલીસને સફળતા મળી હતી.