Fri Aug 21 2026

Logo

મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ: 453 કિમી પીયર અને 359 કિમી વાયડક્ટનું કામ પૂર્ણ, જુઓ લેટેસ્ટ પ્રોગ્રેસ રિપોર્ટ

2026-08-21 17:14:54
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. જેમાં પીયર, વાયડક્ટ અને ટ્રેક નાખવાની સાથે ઇલેક્ટ્રિફિકેશન, ટનલ તેમજ બ્રિજનું કામકાજ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. સુરતથી વાપી વચ્ચેના 100 કિલોમીટરના રૂટ પર ઓગસ્ટ 2027 સુધીમાં ટ્રેન દોડાવી શકાય છે. તો ચાલો જાણીએ કે સુપરફાસ્ટ ઝડપે ચાલી રહેલું આ કામ કેટલે પહોંચ્યું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઓગસ્ટ 2027 એક મોટો પડાવ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન સુરત અને વાપી વચ્ચે આશરે 1000 કિમીના રૂટ પર બુલેટ ટ્રેનનો પ્રથમ ઓપરેશનલ રન શરૂ થવાની આશા છે. સંપૂર્ણ 508 કિમી લાંબો હાઈ-સ્પીડ રેલ કોરિડોર ડિસેમ્બર 2029 સુધી પૂર્ણ થવાનો ટાર્ગેટ છે. 

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને યુટ્યુબ ચેનલ દ્વારા સમય-સમય પર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિ સાથે જોડાયેલી જાણકારી આપી હતી કે એનએચએસઆરસીએલએ હાલમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જુલાઈ 2026ની પ્રોગ્રેસ અપડેટ જારી કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર વાયડક્ટ, ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિફિકેશન, બ્રિજ અને ટનલથી જોડાયેલા કામ ઝડપથી આગળ વધી રહ્યા છે. 

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરની લંબાઈ 508 કિલોમીટર છે. આ મુંબઈ અને અમદાવાદને જોડશે અને તેના વચ્ચેના સ્ટેશનોમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલી માં કુલ 12 સ્ટેશન હશે. સમગ્ર અલાઇમેન્ટનો લગભગ 90% ભાગ એલિવેટેડ હશે. આ સિવાય કોરીડોરમાં ટનલ, બ્રિજ અને સ્ટેશનથી જોડાયેલા નિર્માણ કાર્યો પણ સામેલ છે. 

453 કિલોમીટરના પીયરનું કામ પૂર્ણ 

એનએચએસઆરસીએલની જુલાઈ પ્રોગ્રેસ રિપોર્ટ અનુસાર આશરે 453 કિલોમીટર ભાગમાં પીયર (એક વર્ટિકલ સહાયક માળખાકીય ઘટક)નું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજી તરફ 359 કિલોમીટરમાં વાયાડક્ટ્નું નિર્માણ થઈ ચૂક્યું છે. એજન્સીએ આ પ્રોજેક્ટની સતત પ્રગતિનો સંકેત બતાવ્યો છે. ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો 215 કિમીમાં આરસી ટ્રેક બેન્ડનું નિર્માણ પૂર્ણ થઈ ગયુ છે. આ સિવાય 91 કિલોમીટરમાં ટ્રેક સ્લેબ પાથરવાનું અને સીએએમ ઈન્જેક્શનનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. 

200 કિમી ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન 

હાઈ-સ્પીડ ટ્રેન સંચાલન માટે ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આશરે 200 કિમીના ભાગમાં 9,000થી વધારે ઓવરહેડ કેટેનરી ઈક્વિપમેન્ટ એટલે કે ઓએચઈ માસ્ટ લગાવવામાં આવી ચુક્યા છે. જેના દ્વારા હાઈ-સ્પીડ ટ્રેનોને વીજળીની આપૂર્તિ કરનારો ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. આ સિવાય, આશરે 297 કિલોમીટર અલાઇમેન્ટ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે, જેનો ઉદેશ્ય ઝડપી ગતિથી ચાલનારી ટ્રેનોના અવાજ આસપાસના વિસ્તારો સુધી ઓછો પહોંચાડવાનો છે.

17 નદી બ્રિજ અને 15 સ્ટીલ બ્રિજ પૂર્ણ 

પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 17 રિવર બ્રિજ અને 15 સ્ટીલ બ્રીજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં ચાર માઉંટેન ટનલનું ખોદકામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ સિવાય ન્યુ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ દ્વારા આશરે 5 કિલોમીટર ટનલનું નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. 

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે ઓગસ્ટ 2027માં હાઈ-સ્પીડ રેલની પ્રથમ રન શરૂ થઈ શકે છે. શરૂઆતના ચરણમાં આ સેવા આશરે 100 કિલોમીટર લાંબા સુરત-વાપી સેક્શન પર ચાલવાની યોજના છે. ત્યાર બાદ કોરિડોરને તબક્કાવાર શરુ કરવામાં આવશે. જોકે, વાપી-સુરત, વાપી-અમદાવાદ અને થાણે-અમદાવાદ જેવા ભાગો બાદ અંતિમ ચરણમાં મુંબઈ-અમદાવાદના સમગ્ર સેક્શનની ઓપરેશનલ કરવામાં આવશે. 

બે કલાકમાં પહોંચાશે મુંબઈથી અમદાવાદ 

સમગ્ર કોરિડોર તૈયાર થયા બાદ બુલેટ ટ્રેનની મેક્સિમમ ઓપરેશનલ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. રેલવે મંત્રાલયના રિપોર્ટ અનુસાર ચાર સ્ટોપ સાથે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સફર આશરે 1 કલાક 58 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. 
જો ટ્રેન દરેક 12 સ્ટેશનો પર રોકાશે તો મુસાફરીનો સમય આશરે 2 કલાક 17 મિનિટ રહેવાનું અનુમાન છે. મુંબઈ-અમદાવાદ ટ્રેન પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર થવાનું આવનાર મોટું લક્ષ્ય ડિસેમ્બર 2029 છે.

વધુ જુઓ...