રાજકોટ: સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે વીજ લાઇન નાખવા મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે પાડોશી જિલ્લા મોરબીમાં પણ ફેલાયો છે. થોડા દિવસ પહેલા મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી વીજલાઈનના વિરોધમાં ખેડૂતોએ અણિયારી ટોલનાકા નજીક વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ અણિયારી ટોલનાકા પર ચક્કાજામ કર્યો હોઇ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. જો કે હવે આ મામલો ગાંધીનગર સુધી પહોંચવાનો છે કારણ કે આવતીકાલે આમ આદમી પાર્ટી (AAP) આગામી 15 જૂનના રોજ ગાંધીનગર પહોંચવાના છે, જેમાં AAP નેતાઓ પણ આ રેલીમાં ઉપસ્થિત રહેવાના છે. જો કે આ મામલે ભાજપના નેતાઓનું મૌન ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું, પરંતુ હવે આ મામલે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી છે.
રાજકોટમાં આજે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રાજકોટના લોકસભા સાંસદ પરશોત્તમ રૂપાલાને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલા ખેડૂતોના વીજ પોલ પ્રશ્નના વિરોધમાં કોંગ્રેસ અને 'આપ'ની ગાંધીનગરમાં યોજવાની રેલીને લઈને જણાવ્યું હતું કે, મે ગઈકાલે જ રાજ્યના કૃષિ પ્રધાન સાથે મે વિશેષ આ મુદ્દે ચર્ચા કરી છે. તેમજ રાજ્યના મુખ્ય પ્રધાનના ધ્યાન પર પણ આ પ્રશ્ન છે જ, આગળ તેમણે કહ્યું હતું ખેડૂતોને નુકસાન ન થાય અને તેમના પ્રશ્નનો સુખદ અંત આવે તે પ્રકારની નીતિ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
रक्तदान केवल एक सामाजिक दायित्व नहीं, बल्कि किसी के जीवन में नई आशा का संचार करने का माध्यम है।
— Parshottam Rupala (@PRupala) June 14, 2026
विश्व रक्तदाता दिवस पर सभी रक्तदाताओं के सेवा भाव, संवेदनशीलता और मानवता को कोटि-कोटि नमन।#WorldBloodDonorDay pic.twitter.com/fogPEKWeVA
શું છે સમગ્ર વિવાદ?
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લામાં વીજલાઇન નાખવા મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે. પાંચેક દિવસ પૂર્વે મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી વીજલાઈન મુદ્દે પણ સ્થાનિક ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો અને આ વીજ કંપનીની કામગીરીનો વિરોધ નોંધાવવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો અણિયારી ટોલનાકા નજીક ભેગા થયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ અણિયારી ટોલનાકા પર ચક્કાજામ કર્યો હતો અને આથી હાઇવે પણ ટ્રાફિક સર્જાયો હતો. જો કે આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ખેડૂતો પર બળપ્રયોગ કર્યો હતો. જો કે આ દરમિયાન અમુક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી અને બાદમાં તેઓને છોડી દેવામાં આવ્યા ત્યારે ગામ લોકોએ તેમનું સન્માન કર્યું હતું.
જો કે હવે આ મુદ્દો વધુ મોટો બની રહ્યો છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને દ્વારા આ મામલે ગાંધીનગરમાં આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ રાજ્યના ખેડૂતોના વણઉકલ્યા પ્રશ્નો તેમ જ સરકારની નીતિ સામે આગામી 15મી જૂનના સોમવારે ગાંધીનગર ખાતે “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રા"નું કરવાની જાહેરાત કરી છે.

આ અંગે કોંગ્રેસની મળેલી મહત્વની બેઠકમાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલ સહિત 200થી વધુ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટ્રેક્ટર રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકાર માત્ર કાગળ પર ખેડૂતને 'જગતનો તાત' કહે છે પરંતુ વાસ્તવમાં આયોજન વગરની નીતિઓના કારણે ખેડૂતો પીસાઈ રહ્યા છે અને મંત્રીઓ તેમ જ આઈએએસ-આઈપીએસ અધિકારીઓ બળજબરીથી ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપનીઓની વીજ લાઈનો નંખાવી રહ્યા છે.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર 15મી જૂને ખેડૂતો શાંતિપુરા સર્કલથી કૂચ શરૂ કરશે અને 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર ખાતે એકઠા થઈને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ સીધી રજૂ કરશે. તેમની માંગણીઓમાં ગુજરાતના 56 લાખ ખેડૂતોના માથે રહેલું રૂ. 96 હજાર કરોડનું ખેતી દેવું અન્ય રાજ્યોની જેમ સંપૂર્ણ માફ કરવામાં આવે, ખેતી માટે મફત વીજળી આપવામાં આવે, જમીન માપણી તેમજ કાપણીની સદોષ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ખેડૂતોને તેમની ખેત પેદાશો અને દૂધના પોષણક્ષમ ભાવ મળે તેમજ ખાતર, બિયારણ, ડીઝલ અને જંતુનાશક દવાઓ પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર જમીન સંપાદનમાં પક્ષના વચેટિયાઓને ફાયદો કરાવીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોટી વીજ કંપનીઓ પોલીસ તંત્રની મદદ લઈને ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી હાઈ-ટેન્શન લાઈનો નાખી રહી છે, જે ખુલ્લી દાદાગીરી સમાન છે. કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં વહીવટીતંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ કોઈ વિધાનસભા ઘેરાવો નથી પરંતુ ઉદાસીન ભાજપ સરકારને જગાડવા માટેનું અલ્ટીમેટમ હોવાનું જણાવ્યું હતું.