Thu Jun 25 2026

Logo

મોરબી જિલ્લાના મકનસરમાં 54 પરિવારોને આઝાદીના વર્ષો બાદ મળ્યું કાયમી સરનામું

2026-06-25 21:26:21
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: આઝાદી બાદ પણ સમાજનો એક વર્ગ વર્ષોથી ઓળખ માટે આમતેમ ધક્કા ખાઈ રહ્યો હતો, જો કે છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકારના સહકારથી અનેક વિચરતી-વિમુક્ત જાતિના લોકોને પોતાનું નિશ્ચિત ઠેકાણું મળ્યું છે. ત્યારે મોરબી જિલ્લા કલેકટર દ્વારા મકનસર ગામે સરકારી ખરાબાની જમીનમાંથી વિચરતી-વિમુક્ત જાતિના કુલ 54  જરૂરિયાતમંદ લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવીને સ્થળ પર જ તેનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો.

આ અંતર્ગત મકનસર ગામની સરકારી ખરાબાની કુલ 15,000 ચોરસ મીટર જમીનમાંથી પ્રત્યેક લાભાર્થી પરિવારને 100 ચોરસ વારનો રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો હતો.  વિચરતી-વિમુક્ત જાતિના કુલ 54 પરિવારોને આ લાભ મળ્યો હતો. વર્ષોથી ઘરનું ઘરનું સપનું સાકાર થતાં તમામ લાભાર્થીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં આ વસાહતમાં મકાન નિર્માણ અને પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી હતી.