Wed Jul 01 2026

Logo

જેતપરના ખેડૂત આંદોલનને કયા વ્યાપારી એસોસિએશને આપ્યો ટેકો ? કાર રેલી પણ કાઢી

2026-07-01 11:03:00
Author: Mayur Patel
Article Image

મોરબીઃ જેતપરના ખેડૂત આંદોલનને વ્યાપારી એસોસિએશન પણ ટેકો આપ્યો હતો. તેમજ કાર રેલી પણ કાઢી હતી. મળતી વિગત પ્રમાણે, આજે  મોરબી જિલ્લા કલર એસોસિએશનના સભ્યોએ કાર રેલી યોજી મોટી સંખ્યામાં જેતપર આંદોલન સ્થળે પહોંચી ખેડૂતોને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.

મોરબી જિલ્લા કલર એસોસિએશનનું સમર્થન

મોરબી જિલ્લાના કલર ડીલરો મોટી સંખ્યામાં ગાડીઓ લઈને જેતપર ખેડૂત આંદોલન સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ફૂલહાર પહેરાવ્યા હતા અને પછી બેનરો સાથે રેલી કાઢીને ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું હતું.

એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું કે, મોરબીના તમામ કલર વેપારીઓ ખેડૂતોની આ લડતમાં તેમની સાથે છે. ખેડૂતોના પ્રશ્નોનો સાચો ઉકેલ આવે તે માટે તેઓ અહીં આવ્યા છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોને જે પણ જરૂર પડશે તેમાં તેઓ પૂરો સાથ આપશે.

વેપારીઓના આ ટેકાને કારણે જેતપરના ખેડૂત આંદોલનને વધુ મજબૂતી મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ ગામો, સંસ્થાઓ અને વેપારી મંડળો સતત અહીં આવીને સમર્થન આપી રહ્યા હોવાથી આ આંદોલન મોટું થઈ રહ્યું છે.

ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ

મોરબીના જેતપર ગામે ખેતરોમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતો આશરે 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે એસડીએમ અને ડીવાયએસપી જે પત્ર લઈને આવ્યા હતા તેનું વાંચન કર્યા બાદ અમે તેનો અસ્વીકાર કર્યો છે. અમે સરકાર અને ઉર્જા વિભાગ પાસે માંગ કરી છે કે અમારી 6 મુદ્દાની જે રજૂઆત છે, તેમાં સરકાર કયા મુદ્દાઓ 100 ટકા સ્વીકારે છે અને કયા મુદ્દાઓમાં ફેરફાર કરવા માંગે છે તેનું લેખિત જવાબ કે વિવરણ આપે. જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂત ગાંધીનગર ચર્ચા કરવા જશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે. ખેડૂતોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ ઊભો થવાનું કારણ આપતા  કહ્યું કે, છેલ્લા 8 મહિનાથી દ્વારકા અને કોંઢ સહિતની જગ્યાઓએ ખેડૂતો રજૂઆત કરવા ગયા પરંતુ તેમને માત્ર મૌખિક આશ્વાસનો જ મળ્યા છે. આથી, જ્યાં સુધી સરકાર લેખિતમાં આમંત્રણ અને માંગણીઓ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતો પત્ર નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. અમારી પાસે પણ ટેકનિકલ જાણકારો છે, સરકાર લેખિતમાં આપે તો અમે તેનો અભ્યાસ કરીને આગળની ચર્ચા ટેબલ પર કરી શકીએ. આ આંદોલન હવે માત્ર જેતપર પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો આમાં જોડાઈ રહ્યા છે. જ્યાં સુધી ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી તરફથી ખેડૂતોની માંગણીઓ મુદ્દે લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી ભલે ખેડૂતના શરીરમાંથી જીવ નીકળી જાય, પણ ન્યાય ન મળે ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ ચાલુ જ રહેશે.

ખેડૂતોએ સરકાર સમક્ષ મુકેલી 6 માંગણીઓ

કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ ની તા. 14/06/2024 ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી છે તેના 200% નો ઉલ્લેખ છે. પરંતુ રાજસ્થાન સરકારે હાઇ વોલ્ટેજ લાઇન હોવાથી ઇલેક્ટ્રોમેગ્રેટીક ફિલ્ડના વધારાના 200% એટલે કુલ 400% આપ્યા છે. તો અમને પણ 400% આપવામાં આવે, તે જંત્રીના નહિં, બજાર કિંમતના આપવામાં આવે.

ROW માટે 21/03/2025 ની ગાઇડલાઇનમાં MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી થાય તેના 30%, 45% અને 60% આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્રેટીક ફિલ્ડ થાંભલાના ક્ષેત્રફળમાં અને તારના ક્ષેત્રફળમાં એટલે કે બન્નેમાં હોય છે. માટે ROW વિસ્તારમાં અમને 200% વધારે એટલે કે કુલ 230%, 245% અને 260% આપવામાં આવે.

જમીનની બજાર કિંમત નક્કી કરવા D.L.V.C કમીટી નહીં પરંતુ 21/03/2025 ની ગાઇડલાઇન પ્રમાણે MRC કમીટીની રચના કરવાની રહેશે.

કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ ની તા. 14/06/2024 ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર (9) પ્રમાણે સંપૂર્ણ વળતર (ટાવર વિસ્તારનું, ROW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક હપ્તામાં અને એ પણ એડવાન્સમાં આપવામાં આવે.

TSP કંપની ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતરનો હુકમ ટેલીગ્રાફ ઓથોરીટી કંપની ખેડૂતોને આપે. અને આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવે પછી જ કલેક્ટર કલમ 16(1) હેઠળની પ્રોસીડીંગ ચાલુ કરે.

કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઇડલાઇન 14/06/2024 અને 21/03/2025 માં સુધારો કરીને, બાકીનું બધું કેન્દ્ર સરકારની ગાઇડલાઇન 14/06/24 & 21/03/2025 માં છે તે પ્રમાણે જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ ખેડૂત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે તેવી આશા છે.