Tue Aug 18 2026

Logo

એમએમઆરડીએની મોટી કાર્યવાહી: મેટ્રો 9ના કામમાં ભૂલ બદલ એજન્સીને ફટકાર્યો ₹ 12.5 કરોડનો દંડ

2026-08-17 18:30:55
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મીરા રોડમાં મેટ્રો લાઈન 9 ના નિર્માણાધીન મેદતિયા નગર મેટ્રો સ્ટેશન પાસે સલામતીમાં મોટી ચૂક થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ કોન્ટ્રાક્ટર અને સલાહકાર એજન્સીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને કુલ ₹ 12.5 કરોડનો દંડ ફટકાર્યો છે.

એમએમઆરડીએએ સોશિયલ મીડિયા એક્સ પર આપેલી માહિતી પ્રમાણે આજે સવારે લગભગ 11:50 વાગ્યે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા મેટ્રો લાઈન નવના નિર્માણાધીન મેદતિયા નગર સ્ટેશન ખાતે આ ઘટના બની હતી. કાટમાળ હટાવવા અને સામગ્રી ખસેડવાની કામગીરી દરમિયાન ક્રેન સાથે જોડાયેલી સામગ્રીની ટોપલી નજીકના ફૂટ ઓવરબ્રિજ (એફઓબી) વિસ્તારમાં રાખેલા ગ્રેનાઈટના પથ્થરો સાથે ટકરાઈ હતી.

અથડામણના કારણે ગ્રેનાઈટના કેટલાક પથ્થરો ફૂટ ઓવરબ્રિજના સ્તર પરથી નીચે બેરિકેડ કરાયેલા બાંધકામના વિસ્તાર તરફ પડ્યા હતા. ત્યારબાદ નજીકથી પસાર થઈ રહેલા એક વાહન છૂટા પડેલા ગ્રેનાઇટના ટુકડાઓ પરથી પસાર થતાં તેના ટાયર પંચર થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

આ સલામતી ચૂક બદલ એમએમઆરડીએએ મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એજન્સીઓ સામે નાણાકીય દંડની કાર્યવાહી કરી છે. જે. કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડને ₹10 કરોડ, ગજાનનને ₹1.5 કરોડ અને સિસ્ટ્રા-સીઈજી-જનરલ કન્સલ્ટન્ટને ₹ 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ ત્રણેય એજન્સીઓ પર મળીને ₹ 12.5 કરોડનો દંડ ફટકારાયો છે.

ઘટના અંગે સ્પષ્ટતા કરતાં એમએમઆરડીએએ જણાવ્યું હતું કે કોઈ પણ ગ્રેનાઇટનો પથ્થર સીધો શાળાની બસ અથવા વેન પર પડ્યો નહોતો. વાહનમાં કોઈ વિદ્યાર્થી પણ હાજર ન હતા. પથ્થરો બેરિકેડ કરાયેલા બાંધકામના વિસ્તારમાં જ પડ્યા હતા.
એમએમઆરડીએએ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને નિર્ધારિત સલામતીના નિયમોનું કડકપણે પાલન કરવા અને જરૂરી સુધારાત્મક પગલાં લેવાની સૂચના પણ આપી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે બાંધકામ સ્થળે સલામતી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પણ ભાર મૂકવામાં આવ્યો છે.

મુંબઈમાં મેટ્રો નેટવર્કના વિસ્તરણ સાથે વિવિધ વિસ્તારોમાં મોટા પાયે બાંધકામ કામગીરી ચાલી રહી છે. અનેક સ્થળોએ બાંધકામ ટ્રાફિક અને રહેણાંક વિસ્તારોની નજીક થઈ રહ્યું હોવાથી સ્થળ સલામતી અંગે ખાસ તકેદારી જરૂરી બની છે. 
મેટ્રો લાઇન 9 દહિસર પૂર્વથી મીરા-ભાયંદર સુધી જોડાણ વધારવા માટે વિકસાવવામાં આવી રહી છે. મુંબઈના ઉત્તર ઉપનગરો અને આસપાસના વિસ્તારોના મુસાફરો માટે આ કોરિડોર મહત્વપૂર્ણ કડી બની શકે છે.