મુંબઈ: મુંબઈની પ્રથમ મેટ્રો સેવા 'મુંબઈ મેટ્રો-1' એ સફળ સંચાલનના 12 વર્ષ પૂર્ણ કરી લીધા છે. જૂન 2014માં શરૂ થયેલી આ સેવાએ અત્યાર સુધીમાં 125 કરોડથી વધુ પ્રવાસીઓને સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક સફર પૂરી પાડી છે. મેટ્રોએ 99.99 ટકા સમયસરતા અને ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે પ્રવાસીઓનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.
સ્થાપના દિવસ નિમિત્તે મુંબઈ મેટ્રો-1 એ 'વન નેશન, વન કાર્ડ' પહેલ અંતર્ગત NCMC (નેશનલ કોમન મોબિલિટી કાર્ડ) લોન્ચ કરીને જાહેર પરિવહનને વધુ સુવિધાજનક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આ કાર્ડથી મુંબઈ સહિત દેશભરના વિવિધ પરિવહન નેટવર્કમાં પ્રવાસીઓને સુખદ પ્રવાસ અને ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ લોકોને મળી રહે એના અંગે આશાવાદ સેવ્યો હતો.
છેલ્લા 12 વર્ષોમાં મુંબઈ મેટ્રો-1એ શહેરની પરિવહન વ્યવસ્થામાં મોટો બદલાવ લાવીને લોકો, વ્યવસાયો અને રોજગારની તકોને જોડવાનું કામ કર્યું છે. મેટ્રોએ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ ટ્રિપ્સનું સંચાલન કર્યું છે, જ્યારે એક જ દિવસમાં 5.79 લાખ પ્રવાસીની દૈનિક મુસાફરીનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત એમએમઓપીએલએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)ના માધ્યમથી એકીકૃત ટિકિટિંગ સેવા શરૂ કરીને ડિજિટલ યાત્રાના અનુભવને પ્રોત્સાહન આપ્યું છે. મુંબઈ મેટ્રો-1 ના સ્થાપના દિવસ નિમિત્તે પ્રશાસન દ્વારા એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે મળીને કો-બ્રાન્ડેડ રૂપે 'ઓન-ધ-ગો' નેશનલ કોમન મોબિલિટી કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કાર્ડ એક જ માધ્યમ દ્વારા અલગ-અલગ જાહેર પરિવહન સેવાઓમાં યાત્રા અને ડિજિટલ ચુકવણીની સુવિધા આપશે. શરૂઆતમાં આ સેવાનો ઉપયોગ મુંબઈ મેટ્રો લાઇન-1, મેટ્રો લાઇન-2એ અને 7, મેટ્રો લાઇન-3, બેસ્ટ (બેસ્ટ) બસો અને આગામી મોનોરેલ નેટવર્કમાં કરી શકાશે.
એમએમઓપીએલના અધિકારીએ જણાવ્યું હતું કે 125 કરોડથી વધુ પ્રવાસીઓનો ભરોસો કંપનીને વધુ ઉત્તમ સેવાઓ આપવા માટે પ્રેરિત કરે છે." જ્યારે અન્ય એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ પગલું 'વન નેશન, વન કાર્ડ'ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.