ભરત ભારદ્વાજ
આર્જેન્ટિનાના સુપર સ્ટાર લિયોનેલ મેસીએ આખરે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો તેથી હવે પછી મેસી આર્જેન્ટિનાની ટીમ વતી રમતો જોવા નહીં મળે. 2005માં આર્જેન્ટિના માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમનારા મેસીની નિવૃત્તિ સાથે જ આંતરરાષ્ટ્રીય ફૂટબોલનો એક યુગ સમાપ્ત થઈ ગયો. 21 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આર્જેન્ટિના વતી 207 મેચમાં 125 ગોલ ફટકાર્યા અને આર્જેન્ટિનાને 2022માં ફૂટબોલ વર્લ્ડકપ અને 2021માં તથા 2024માં એમ સળંગ બે વાર કોપા અમેરિકા કપ પણ જીતાડ્યો.
આર્જેન્ટિના છેલ્લે 1986માં મેરેડોનાના સમયમાં ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યું હતું. મેસીએ 36 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કરીને 2022માં કતરમાં આર્જેન્ટિનાને ત્રીજો વર્લ્ડ કપ જીતાડ્યો હતો. કોપા અમેરિકા કપમાં તો વર્લ્ડકપ કરતાં પણ જોરદાર સ્પર્ધા હોય છે કેમ કે વર્લ્ડ ફૂટબોલમાં પાવર હાઉસ ગણાતી ટીમો ઊતરે છે.
આર્જેન્ટિના સિવાય બ્રાઝિલ, પેરાગ્વે, ઉરૂગ્વે, કોલંબિયા, અમેરિકા, વેનેઝુએલા જેવી એકમેકનાં માથાં ભાંગે એવી ટીમોની ટક્કરમાં ફૂટબોલ કરતાં પણ વધારે રોમાંચ હોય છે. આવી સ્પર્ધામાં સળંગ બે વાર ચેમ્પિયન બનાવીને મેસી આર્જેન્ટિનામાં નેશનલ હીરો બની ગયેલો. મેસીએ 2021માં આર્જેન્ટિનાને 28 વર્ષ પછી કોપા અમેરિકા કપ જીતાડ્યો ત્યારે ફાઈનલમા બ્રાઝિલને હરાવેલું જ્યારે 2024માં ઉરુગ્વેને ફાઈનલમાં કારમી પછડાટ આપી હતી.
મેસી કોપા અમેરિકાની કમાલ વર્લ્ડકપમાં નહોતો બતાવી શક્યો. 2026માં પણ આર્જેન્ટિના વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચેલું પણ સ્પેન સામે હારી જતાં સળંગ બીજી વાર વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચવાનું સપનું ચકનાચૂર થઈ ગયેલું. મેસીએ નિવૃત્તિની જાહેરાત કરતી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે હાર્યાના બે દિવસ પછી જ પોતે નિવૃત્તિનો નિર્ણય લઈ લીધેલો પણ પિતાની બીમારીના કારણે જાહેરાત અટવાઈ ગયેલી. લિયોનેલના પિતા જોર્જ મેસી તેના મેનેજર અને સ્પોર્ટ્સ એજન્ટ પણ હતા. વર્લ્ડકપ વખતે પણ એ હૉસ્પિટલમાં જ હતા ને છેવટે 8 ઓગસ્ટ, 2026ના રોજ ગુજરી ગયા. મેસીએ પિતાના મોતના 25 દિવસમાં નિવૃત્તિ લઈ લીધી.
મેસીની નિવૃત્તિ માટે ઉંમર પણ કારણભૂત છે. મેસી અત્યારે 39 વર્ષનો છે અને ફૂટબોલમાં આ બહુ મોટી ઉંમર કહેવાય. ફૂટબોલર પાસે જબરદસ્ત ફિટનેસ અને ચપળતા પણ જોઈએ કેમ કે મેદાન પર સતત દોડવું પડે છે. ક્રિકેટની જેમ વચ્ચે વચ્ચે આરામ મળી જાય એવું નથી હોતું. 45-45 મિનિટના બે હાફ નિચોવી નાખતા હોય છે ને જરાક ઢીલા પડ્યા કે તરત સામેની ટીમ ઘોડો કરીને હાવી જ થઈ જાય.
આ કારણે ફૂટબોલમાં હણહણતા વછેરા જેવા 20 વર્ષથી 30 વર્ષ સુધીના યુવા ખેલાડીઓનો દબદબો હોય છે. મેસી જેવા તો બહુ ઓછા હોય કે જે છેક 40 વર્ષ લગી ખેંચી શકે. મેસીએ પોતે ખેલદિલીથી સ્વીકાર્યું છે કે, હવે તેનામાં પહેલાં જેવી સ્ફૂર્તિ નથી. સ્પેન સામેની ફાઈનલમાં જ પોતે પરાણે રમતો હતો ને પગ ઢસડતો હતો. મેસીએ લખ્યું છે કે, ફાઈનલમાં મારા પગ આગળ જ નહોતા વધતા ને મેં મારી શારીરિક મર્યાદાઓને ઓળંગવાનો બહુ પ્રયત્ન કર્યો પણ સફળ ના થયો એટલે છેવટે નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ લીધો.
મેસીનો નિર્ણય યોગ્ય જ છે કેમ કે 21 વર્ષની કારકિર્દીમાં મેસીએ ઘણું મેળવ્યું છે. વર્લ્ડકપ કે કોપા અમેરિકા જેવી હાઈ વોલ્ટેજ સ્પર્ધા તો ચાર વરસે રમાય છે પણ ફૂટબોલ તો બારે મહિના ચાલ્યા કરે છે. યુરોપ અને લેટિન અમેરિકામાં તો બારે મહિના કોઈ ને કોઈ મોટી સ્પર્ધા રમાતી જ હોય છે. પ્રીમિયર લીગ, લા લિગા, લીગ 1 વગેરે સ્પર્ધાઓમાં આખી દુનિયાના ટોચના સ્ટાર રમતા હોય છે. મેસી આ સ્પર્ધાઓમાં છવાયેલો રહેતો. એકચક્રી શાસન ભોગવ્યું એવું તો ના કહી શકાય પણ મેસીનો દબદબો તો હતો જ. તેના કારણે મેસી રૂપિયા પણ અઢળક કમાયો ને લોકપ્રિયતા પણ અંધાધૂંધ મળી.
વિશ્વ ફૂટબોલમાં બેલ્લોન દ’ઓર એવોર્ડ સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. મેસી સૌથી વધુ 8 વાર આ એવોર્ડ જીત્યો છે ને તેના પરથી જ તેના પ્રભુત્વનો ખ્યાલ આવી જાય. મેસી વર્લ્ડકપ ટીમનો સભ્ય રહ્યો ને આર્જેન્ટિના વતી સૌથી વધારે વર્લ્ડકપ ગોલ કરવાનો રેકોર્ડ પણ તેના નામે જ છે. બ્રાઝિલ, ઉરુગ્વે સહિતની ટીમોના ખેલાડીઓને ટપીને દક્ષિણ અમેરિકી ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર પુરુષ ખેલાડી પણ મેસી જ છે તેથી મેસીએ ફૂટબોલમાં કશું મેળવવાનું બાકી રાખ્યું નથી. તેના જેવી લોકપ્રિયતા, પ્રસિદ્ધી અને નાણાં ભાગ્યે જ કોઈ ખેલાડીને મળે એ જોતાં કારકિર્દીની ટોચ છે ત્યારે જ નિવૃત્તિ લઈ લેવાનો નિર્ણય યોગ્ય જ છે.
મેસીની નિવૃત્તિ સાથે એક ચર્ચા પાછી શરૂ થઈ છે કે, વિશ્વના ફૂટબોલ ઈતિહાસમાં સૌથી મહાન ખેલાડી કોણ? મેસીના ચાહકોએ નિવૃત્તિ પછી મેસીને વિશ્વનો મહાનતમ ફૂટબોલ ખેલાડી ગણાવ્યો ને સામે બીજા ખેલાડીઓના ચાહકોએ જવાબ આપ્યા તેમાં આ ચર્ચા છેડાઈ ગઈ છે. વિશ્વ ફૂટબોલમાં આર્જેન્ટિના અને બ્રાઝિલની દુશ્મનાવટ જાણીતી છે. આ બંને દેશના ફૂટબોલ ચાહકો સામસામે આવી ગયા છે.
બ્રાઝિલિયનોનું કહેવું છે કે, આર્જેન્ટિનાવાળા ભલે મેસી કે મેરેડોનાને મહાન ગણે પણ અમારા પેલેની તોલે કોઈ ન આવે. એ લોકો પેલેના રેકોર્ડના આંકડા પણ પોતાની વાતને સાબિત કરવા મૂકી રહ્યા છે અને આંકડાને આધારે મૂલ્યાંકન કરવાનું હોય તો પેલેને મહાનતમ તરીકે સ્વીકારવા પડે.
પેલેનું સાચું નામ એડસન અરાંતેસ દો નાસિમેન્તો હતું પણ લોકો પ્રેમથી પેલે કહેતા. પેલેએ બ્રાઝિલ તરફથી રમતાં 92 આંતરરાષ્ટ્રીય મેચોમાં 77 ગોલ કર્યા. આ રેકોર્ડ જોરદાર કહેવાય કેમ કે સરેરાશ દરેક મેચમાં એક ગોલ થયો. ક્રિકેટમાં કોઈ બેટ્સમેન સરેરાશ દરેક ઈનિંગ્સમાં સદી ફટકારે કે બોલર દરેક ટેસ્ટમાં દસ વિકેટ લે એવી આ સિદ્ધી છે. પેલે 1958, 1962, 1966 અને 1970 એમ ચાર ફિફા (FIFA) વર્લ્ડકપ રમ્યા ને તેમાં ત્રણ વાર બ્રાઝિલ ચેમ્પિયન બન્યું. બે વર્લ્ડકપમાં પેલે ઈજાના કારણે બધી મેચો નહોતા રમ્યા પણ એ બ્રાઝિલની ચેમ્પિયન ટીમનો હિસ્સો હતા ને બ્રાઝિલની જીતમાં તેમનું યોગદાન મોટું હતું.
પેલેની સરખામણીમાં મેરેડોના અને મેસી બંનેનો રેકોર્ડ પ્રભાવશાળી નથી. આર્જેન્ટિના તરફથી રમતાં મેસીએ 207 મેચમાં 125 જ્યારે મેરાડોનાએ 91 મેચમાં 34 ગોલ કર્યા છે. પેલે અને મેરેડોનાની આંતરરાષ્ટ્રીય મેચો લગભગ સરખી છે પણ મેરેડોનાના ગોલની સંખ્યા પેલેના ગોલથી અડધી પણ નથી. મેસી વધારે મેચ રમ્યો પણ તેની સરેરાશ પણ મેચદીઠ 0.6 ગોલ જેટલી જ છે. આંકડાની રીતે મેસી કે મેરેડોના પેલેની નજીક નથી પણ પેલે અને મેસી-મેરેડોનામાં એક ફરક છે. બ્રાઝિલ પહેલેથી સુપર પાવર હતું જ્યારે આર્જેન્ટિનાને મેરેડોનાએ સુપર બનાવ્યું ને મેસીએ વરસો પછી ફરી દબદબો બનાવ્યો તેથી મેસીને પણ ઈતિહાસ યાદ તો રાખશે જ.