Thu Jul 23 2026

Logo

અંજારના મેઘપર (કુંભારડી)માંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ, જાણો શું કરી ચોંકાવનારી કબૂલાત

2026-06-22 12:28:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ અંજાર તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા મેઘપર કુંભારડી વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો વિના બિનઅધિકૃત રીતે રહેતી એક બાંગ્લાદેશી મહિલાને પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી છે. પકડાયેલી વિદેશી મહિલા વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને સુરક્ષા એજન્સીઓએ સઘન પૂછપરછ શરૂ કરી છે.

એસ.ઓ.જી. પોલીસને મળેલી ચોક્કસ પૂર્વ બાતમીના આધારે મેઘપર કુંભારડીની એક સોસાયટીમાં આવેલા કપિલેશ્વરનગરના મકાન નંબર ૯૮-એફમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાંથી પોલીસે ફરઝાના અબ્દુલ્લા શેખ નામની મહિલાની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન આ મહિલા મૂળ બાંગ્લાદેશની નાગરિક હોવાનું અને તેની પાસે ભારતમાં રહેવા માટેના કોઈ માન્ય વિઝા કે પાસપોર્ટ ન હોવાનું ખૂલ્યું હતું.

મહિલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે આશરે ત્રણ વર્ષ પૂર્વે ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ ગેરકાયદેસર રીતે ઓળંગીને ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે અહીં છૂપી રીતે વસવાટ કરતી હતી. સરહદ પાર કરાવીને તેને કચ્છ સુધી પહોંચાડવામાં કોણે મદદ કરી હતી, તે અગાઉ ભારતમાં ક્યાં-ક્યાં રહી ચૂકી છે અને અહીં કયા હેતુથી આવી હતી તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. આ પ્રકરણમાં માનવ તસ્કરી કે અન્ય કોઈ દેશવિરોધી નેટવર્ક સામેલ છે કે કેમ તે અંગે પણ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા થોડા સમય પૂર્વે શંકાસ્પદ ઘૂસણખોરોને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ અટકાયત કરાયેલા શંકાસ્પદ લોકો પૈકી ૨૭ જણાને પ્રાથમિક તબક્કે બાંગ્લાદેશી ઘોષિત કરાયા હતા. જો કે, બાદમાં વહીવટી પ્રક્રિયા અને ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન તેમાંથી ૧૩ લોકો ભારતના જ આસામ રાજ્યના હોવાનું સત્તાવાર રીતે સાબિત થતાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૧૪ અસલી બાંગલાદેશી નાગરિકોને હાલ પોલીસની કડક દેખરેખ હેઠળ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે, જેમને ડિપોર્ટ કરવાની કાનૂની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)