Tue May 19 2026

Logo

ભારતનું આ શહેર છે ક્રિકેટ બેટનું કેપિટલ, રોહિત-વિરાટથી લઈને ધોની પણ છે અહીં બનેલા બેટના મુરીદ...

2026-05-18 17:32:49
Author: Darshana Visaria
Article Image

ભારતમાં ક્રિકેટ એ માત્ર એક સ્પોર્ટ્સ નહીં પણ એક ઈમોશન છે. આ સ્પોર્ટ્સનો ક્રેઝ ગલી-મોહલ્લાથી લઈને વિશાળ સ્ટેડિયમ સુધી છવાયેલો જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે જે બેટથી વિરાટ કોહલી, એમએસ ધોની કે સૂર્યકુમાર યાદવ મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે, તે બેટ આખરે બને છે ક્યાં? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે દુનિયાભરમાં વપરાતા દર 10માંથી 7 ક્રિકેટ બેટ એકલા ભારતમાં જ તૈયાર થાય છે.

જ્યારે વાત ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ બેટની આવે, ત્યારે આખી દુનિયામાં એક જ શહેરનું નામ ગુંજે છે અને એ નામ છે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠ (Meerut) જિલ્લાનું. તમને જાણીને નવાઈ લાગશે પણ મેરઠને માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વની 'ક્રિકેટ બેટ કેપિટલ' (બેટની રાજધાની) તરીકે ઓળખવામાં આવે છે.

ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, એમએસ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલીથી લઈને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ જેવા વિદેશી દિગ્ગજો પણ મેરઠમાં બનેલા બેટથી બોલરોની ધજ્જિયાં ઉડાવી ચૂક્યા છે.

મેરઠના કારખાનાઓમાં મુખ્યત્વે પ્રખ્યાત બ્રાન્ડ્સ આખી દુનિયા પર રાજ કરે છે. જેમાં એસએસ (Sareen Sports) બ્રાન્ડના સેહવાગ અને સચિનથી લઈને આજની પેઢીના સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને સંજુ સેમસન દિવાના છે. તો બીજી તરફ એસજી (Sanspareils Greenlands) બ્રાન્ડ પર સુનિલ ગાવસ્કરથી લઈને 'ધ વોલ' રાહુલ દ્રવિડ જેવા ક્લાસિક ખેલાડીઓએ ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત બીડીએમ અને બીએએસ વેમ્પાયરના બેટથી જ ધોનીના હેલિકોપ્ટર શોટ્સ અને વિરાટની શરૂઆતના દિવસોની ક્લાસિક કવર ડ્રાઈવ ફેમસ થઈ છે.

Youtube (THE ART OF MANLINESS)

મેરઠ કેમ છે દુનિયાનું નંબર-1 'બેટ હબ'?
20મી સદીની શરૂઆતથી જ મેરઠમાં બેટ બનાવવાનું કામ ચાલે છે. અહીંના કારીગરો પાસે લાકડાને એવો પરફેક્ટ શેપ, વજન અને બેલેન્સ આપવાનું પરંપરાગત હુનર છે જે દુનિયામાં ક્યાંય નથી મળતું. અહીં ઇન્ટરનેશનલ સ્ટાર્સ માટે હાઈ-એન્ડ પ્રેશર મશીનોથી ફિનિશિંગ આપવામાં આવે છે અને બેટને આઈસીસી (ICC)ના નિયમો પર ખરું ઉતારવામાં આવે છે. આ સાથે જ ગલી-ક્રિકેટ રમતા બાળકો માટે સસ્તા અને મજબૂત બેટ પણ અહીં મોટા પાયે બનાવાય છે.

બેટ બનાવવા માટે વપરાતા બે અલગ અલગ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. મેરઠના બેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કારખાનાઓમાં મુખ્યત્વે બે પ્રકારના લાકડામાંથી બેટ તૈયાર થાય છે, જે રમતનું સ્તર અને વજન નક્કી કરે છે. ચાલો જોઈએ કયા છે આ બે પ્રકારના લાકડા અને તેમની ખાસિયત વિશે...

ઈંગ્લિશ વિલો:
આ ખાસ પ્રકારનું લાકડું બ્રિટન (UK) થી આયાત કરવામાં આવે છે. આ લાકડું વજનમાં એકદમ હલકું હોય છે અને તેનો પંચ એટલે કે બોલ વાગ્યા પછીનો સ્ટ્રોક ખૂબ જ પાવરફુલ હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ અને નેશનલ પ્લેયર્સ મોટાભાગે ઇંગ્લિશ વિલોના બેટથી જ રમવાનું પસંદ કરે છે, જેથી મેદાન પર સરળતાથી લાંબી સિક્સર લગાવી શકાય. ઈન્ટરનેશનલ માર્કેટમાં આ જ બેટની સૌથી વધુ ડિમાન્ડ રહે છે.

કાશ્મીર વિલો:
આ લાકડું જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને પુલવામા જિલ્લામાંથી મેરઠ લાવવામાં આવે છે. ઇંગ્લિશ વિલોની સરખામણીમાં આ લાકડું થોડું ભારે હોય છે, પરંતુ તે અત્યંત મજબૂત અને ટકાઉ (Long Lasting) હોય છે. ડોમેસ્ટિક ક્રિકેટ, સ્થાનિક ક્લબ પ્લેયર્સ અને ક્રિકેટ શીખતા ઉભરતા યુવા ખેલાડીઓ માટે આ સૌથી બેસ્ટ અને આર્થિક રીતે સસ્તો વિકલ્પ છે.