Thu Jul 23 2026

Logo

અંકલેશ્વરમાં 12 કલાકમાં 2 સ્થળેથી 40 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું: દિલ્હી અને સુરત DRIના દરોડા

2026-07-22 10:08:00
Author: Mumbai Samachar Team
Article Image

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા કારોબારીઓ સામે દિલ્હી અને સુરત DRI ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને ગુપ્ત રીતે ચલાવવામાં આવતી ડ્રગ્સ ફેક્ટરી પર સંયુક્ત દરોડા પાડીને કરોડોના કાળા કારોબારનો ખુલાસો કરવામાં આવ્યો છે.

મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યો 

દિલ્હી-સુરતની ટીમની સહિયારી કામગીરી દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળેથી મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો તેમજ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રૉ મટીરિયલ મળી આવ્યું છે. DRI દ્વારા સ્થળ પરથી આશરે રુ.40 લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સના આ ગેરકાયદેસર કારોબારમાં સંકળાયેલા 3 શંકાસ્પદ વ્યક્તિઓની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લેવામાં આવી છે.

DRIએ શરુ કરી તપાસ 

દરોડા બાદ ટીમે સમગ્ર મકાનને સીલ કરી દીધું છે અને ડ્રગ્સ બનાવવા માટેનું કાચું મટીરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું તેમજ આ ડ્રગ્સનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 

MD ડ્રગ્સ બનાવવાનું શંકાસ્પદ કેમિકલ જપ્ત

અન્ય એક ઘટનામાં અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન તપાસ શરૂ કરી સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.

'મ્યાઉં મ્યાઉં' ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું કેમિકલ મળ્યાની શંકા

દરોડા દરમિયાન DRIની ટીમે 2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિયોફેનોન નામનું કેમિકલ જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં આ કેમિકલનો ઉપયોગ MD (મેફેડ્રોન) નામના નશીલા પદાર્થના ઉત્પાદન માટેના રો મટીરિયલ તરીકે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેફેડ્રોનને સામાન્ય ભાષામાં 'મ્યાઉં મ્યાઉં' તરીકે ઓળખવામાં આવે છે.

DRIએ પુરાવા એકત્રિત કર્યા

DRIની ટીમ દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરાયેલા કેમિકલની ફોરેન્સિક તપાસ સહિત અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તપાસના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને તેના નેટવર્ક અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે.